તમે ક્યારેય કોઈના મોઢે એવું સાંભળ્યું છે કે, ‘એ તો ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠો થયો.’? જો આનો અર્થ ન ખબર હોય તો જાણી લો. ફિનિક્સ (Phoenix) એ ગ્રીક અને ઇજિપ્તની પૌરાણિક કથાઓનું એક એવું રહસ્યમય કાલ્પનિક પક્ષી છે, જે સળગીને રાખ થઈ ગયા પછી પણ પોતાની જ રાખમાંથી નવો જન્મ લેવાની અદભુત ક્ષમતા ધરાવે છે. ગુજરાતના રાજકારણમાં જો કોઈ નેતાને આ ફિનિક્સ પક્ષીનું બિરુદ આપવું હોય, તો એ નામ છે—ચીમનભાઈ પટેલ. શૂન્ય થઈ ગયા પછી પણ સત્તાના શિખરે કેવી રીતે પાછા ફરી શકાય, એ ચીમનભાઈના જીવન પરથી શીખી શકાય.

નેપોલિયનની સફળતાનું રહસ્ય તેનું ઇતિહાસનું ઊંડું જ્ઞાન હતું. તેણે પોતાના અંતિમ દિવસોમાં પુત્રને સંદેશો આપ્યો હતો કે: “મારા પુત્રએ ઇતિહાસ વાંચવો જોઈએ, કારણ કે ખરું તત્વજ્ઞાન ઇતિહાસમાં જ સમાયેલું છે.” બસ, એટલા માટે જ દરેક યુવાને, વિદ્યાર્થીએ અને રાજકારણમાં રસ ધરાવતા લોકોએ ચીમનભાઈ પટેલના આ રસપ્રદ ઇતિહાસને જાણવો જ જોઈએ.

શાળાનો એ ઘંટ અને ‘નવનિર્માણ આંદોલન’

વાત ૧૯૭૩-૭૪ની છે. હું ત્યારે બીજા ધોરણમાં ભણતો હતો. એ સમયે ગુજરાતમાં ઐતિહાસિક ‘નવનિર્માણ આંદોલન’ ફાટી નીકળ્યું હતું. અમારી શાળામાં અવારનવાર હાઇસ્કૂલના મોટા વિદ્યાર્થીઓ આવીને હડતાળ પડાવતા.

સામાન્ય રીતે સાંજે શાળા પૂરી થાય ત્યારે જે ઘંટ વાગતો, એવો જ ઘંટ હજી તો થોડું ભણીએ ત્યાં જ વાગી જતો! પહેલા દિવસે તો મોટા છોકરાઓએ વર્ગમાં આવીને પરાણે હડતાળ પડાવી, પણ બીજા દિવસથી તો જેવો ઘંટ વાગે એટલે અમે સૌ ‘દફતર પાટી પેક’ કરીને ‘રજા પડી.. રજા પડી’ કરતા, હરખાતા-મલકાતા ઘરે ભાગતા. ત્યારે તો બહુ મજા પડતી, પણ મોટા થઈને ખબર પડી કે બાળકોને વહેલી રજા અપાવનારૂ એ આંદોલન ગુજરાતના ઇતિહાસના સૌથી ઉગ્ર અને હિંસક આંદોલનોમાંનું એક હતું. આ આંદોલને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલની ખુરશી છીનવી લીધી હતી!

વાત ૧૯૭૩-૭૪ની છે. હું ત્યારે બીજા ધોરણમાં ભણતો હતો. એ સમયે ગુજરાતમાં ઐતિહાસિક ‘નવનિર્માણ આંદોલન’ ફાટી નીકળ્યું હતું. અમારી શાળામાં અવારનવાર હાઇસ્કૂલના મોટા વિદ્યાર્થીઓ આવીને હડતાળ પડાવતા.

સામાન્ય રીતે સાંજે શાળા પૂરી થાય ત્યારે જે ઘંટ વાગતો, એવો જ ઘંટ હજી તો થોડું ભણીએ ત્યાં જ વાગી જતો! પહેલા દિવસે તો મોટા છોકરાઓએ વર્ગમાં આવીને પરાણે હડતાળ પડાવી, પણ બીજા દિવસથી તો જેવો ઘંટ વાગે એટલે અમે સૌ દફતર પાટી પેક કરીને ‘રજા પડી.. રજા પડી’ કરતા, હરખાતા-મલકાતા ઘરે ભાગતા. ત્યારે તો બહુ મજા પડતી, પણ મોટા થઈને ખબર પડી કે બાળકોને વહેલી રજા અપાવનારા એ આંદોલને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલની ખુરશી છીનવી લીધી હતી!

આ આંદોલન દરમિયાન 100 કરતાં પણ વધારે લોકોના મૃત્યુ થયા હતા. આંદોલનમાં ગંભીર રીતે ઘાયલ થનારા લોકોની સંખ્યા ૩૧૦ થી વધુ હતી અને આશરે ૮,૦૦૦ કરતાં વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રોફેસરથી મુખ્યમંત્રી સુધીની સફર

૩ જૂન, ૧૯૨૯ના રોજ વડોદરાના સંખેડા તાલુકાના ચિખલી ગામે જન્મેલા ચીમનભાઈ જીવાભાઈ પટેલ ભણવામાં ભારે તેજસ્વી હતા. તેમણે અર્થશાસ્ત્ર (Economics) વિષય સાથે એમ.એ. (M.A.) ની પદવી મેળવી હતી. રાજકારણમાં સક્રિય થતાં પહેલાં તેઓ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને ગુજરાત કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે ભણાવતા હતા. આ શૈક્ષણિક બેકગ્રાઉન્ડને કારણે તેઓ આર્થિક બાબતો અને આયોજનના પાકા જ્ઞાતા હતા.

૧૯૬૭માં તેઓ સંખેડા વિધાનસભા ક્ષેત્રમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને હિતેન્દ્ર દેસાઈના મંત્રીમંડળમાં જોડાયા. તેઓ ઘનશ્યામભાઈ ઓઝાના મંત્રીમંડળમાં પણ મંત્રીપદે રહેલા. ૧૭ જુલાઇ, ૧૯૭૩માં ઘનશ્યામભાઈ ઓઝાની સરકારને ગબડાવી અને તેઓ મુખ્યમંત્રી બન્યા.

તેઓ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, પણ બંને વખતની પરિસ્થિતિઓ તદ્દન અલગ હતી:

  • પ્રથમ કાર્યકાળ (૧૮ જુલાઈ, ૧૯૭૩ થી ફેબ્રુઆરી, ૧૯૭૪): ઇન્દિરા કોંગ્રેસ શાસન હેઠળ, જે નવનિર્માણ આંદોલનને કારણે ટૂંકા સમયમાં સમેટાઈ ગયો.
  • બીજો કાર્યકાળ (૪ માર્ચ, ૧૯૯૦ થી ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ – અવસાન સુધી): જનતા દળ અને ભાજપના ગઠબંધન સાથે (બાદમાં કોંગ્રેસમાં વિલય).

કેન્દ્ર સામે અડગ ઊભા રહી બન્યા ‘છોટે સરદાર’

ચીમનભાઈ પાસે ગુજરાતના વિકાસનું એક અદભુત વિઝન હતું. આજે આપણે જે નર્મદા યોજના (સરદાર સરોવર ડેમ)ના મીઠા પાણી પીએ છીએ, તેને ‘ગુજરાતની જીવાદોરી’ બનાવવામાં સૌથી મોટું યોગદાન ચીમનભાઈનું હતું.

નર્મદા યોજના સામે જ્યારે મેધા પાટકરનું ‘નર્મદા બચાવો આંદોલન’ ચાલતું હતું અને તત્કાલીન વડાપ્રધાન નરસિંહરાવની કેન્દ્ર સરકાર દબાણ કરતી હતી, ત્યારે ચીમનભાઈ ગુજરાતના હિત માટે કેન્દ્ર સામે અડગ થઈને ઊભા રહી ગયા. તેમણે સાફ કહી દીધું કે ગુજરાત ઝૂકશે નહીં. તેમની આ મક્કમતા અને પ્રખર નેતૃત્વને કારણે જ જનતાએ તેમને ‘છોટે સરદાર’ નું બિરુદ આપ્યું હતું.

સરદાર વલ્લભભાઈ પટેલે જે રીતે દેશના રજવાડાંઓને એક કર્યા હતા, બરાબર એ જ ખુમારી સાથે ચીમનભાઈએ નર્મદાના મુદ્દે આખા ગુજરાતને પક્ષભેદ ભૂલીને એક તાંતણે બાંધી દીધું હતું. તેમની પ્રખર ઈચ્છાશક્તિનું જ પરિણામ હતું કે વિશ્વ બેંકે (World Bank) જ્યારે પર્યાવરણના બહાના હેઠળ આ પ્રોજેક્ટમાંથી લોન પાછી ખેંચી લીધી, ત્યારે પણ ચીમનભાઈ સહેજ પણ ડગ્યા નહીં. તેમણે મક્કમતાથી જાહેર કર્યું કે ‘આપણે વિશ્વ બેંકની મદદ વિના પણ આપણા પોતાના દમ પર નર્મદા ડેમ પૂરો કરીશું.’ તેમની આ જ ખુદદારીને કારણે ગુજરાતના ઇતિહાસમાં તેમનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયું.

‘કિમલોપ’: રાજકારણનો એક અનોખો પ્રયોગ

૧૯૭૪માં સત્તા ગુમાવ્યા અને કોંગ્રેસમાંથી હાંકી કઢાયા પછી કોઈ પણ સામાન્ય નેતા હિંમત હારી જાય, પણ ચીમનભાઈ અલગ માટીના હતા. તેમણે હિંમત હાર્યા વગર પોતાની નવી પાર્ટી સ્થાપી—‘કિસાન મઝદૂર લોક પક્ષ’, જે ટૂંકમાં ‘કિમલોપ’ (KIMLOP) તરીકે ઓળખાયો.

એક અર્થશાસ્ત્રી તરીકે તેઓ ગ્રામીણ અર્થતંત્રને સમજતા હતા. તેમણે ગુજરાતના સમૃદ્ધ પાટીદાર ખેડૂતો અને ગ્રામીણ શ્રમિકો (મઝદૂરો) ને એક મંચ પર લાવીને કોંગ્રેસ હાઈકમાન્ડને બતાવી દીધું કે ગ્રાઉન્ડ લેવલની જનતા તેમની સાથે છે.

જૂન ૧૯૭૫ની વિધાનસભા ચૂંટણી ત્રિપાંખીયા જંગમાં ફેરવાઈ ગઈ. એકતરફ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ, બીજી તરફ મોરારજી દેસાઈનો ‘જનતા મોરચો’ અને ત્રીજી તરફ ચીમનભાઈની ‘કિમલોપ’. કિમલોપે ૧૨ બેઠકો જીતીને ચૂંટણીમાં ‘કિંગમેકર’ની ભૂમિકા ભજવી. ખુદ ચીમનભાઈ સંખેડાથી હારી ગયા, પણ તેમના ટેકાથી જ બાબુભાઈ જશભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની સૌપ્રથમ બિન-કોંગ્રેસી સરકાર રચાઈ. પાછળથી દેશમાં ઇમરજન્સી લાગુ થતાં ચીમનભાઈએ આ પક્ષ વિખેરી દીધો અને જનતા પાર્ટીમાં જોડાયા.

૧૫ વર્ષનો વનવાસ અને ‘KOKAM’ થીયરીની માસ્ટરસ્ટ્રોક

૧૯૮૮માં જ્યારે વી. પી. સિંહે કોંગ્રેસ સામે બગાવત કરી ત્યારે દેશમાં ‘જનતા દળ’ ની સ્થાપના થઈ. ચીમનભાઈ પટેલ ગુજરાતમાં જનતા દળના સર્વેસર્વા બન્યા. 

વલભીપુર ખાતે શ્રી વી.પી. સિંહના પ્રવાસ દરમિયાન લેવામાં આવેલી આ તસ્વીરમાં શ્રી ચીમનભાઈ પટેલ આગેવાનની દમદાર છટા સાથે મોખરે આગળ વધી રહ્યા છે, જ્યારે તેમની પાછળ શ્રી વી.પી. સિંહ નજરે પડે છે. આ તસ્વીર મેં લીધી હતી.
વલભીપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નારસિંહ ઘેલડાના નિવાસસ્થાને યોજાયેલી મુલાકાત દરમિયાન શ્રી ચીમનભાઈ પટેલ અને શ્રી જયરામભાઈ પટેલ. આ ઐતિહાસિક તસ્વીર મેં પોતાના કેમેરાથી લીધી હતી.

૧૯૭૫ થી ૧૯૯૦ વચ્ચેનો ૧૫ વર્ષનો સમયગાળો ચીમનભાઈ માટે રાજકીય વનવાસ જેવો હતો. એ દિવસોમાં મેં તેમને ઘણી વખત નાની-નાની બેઠકોમાં પણ હાજરી આપતા જોયા છે. એક વખત તો મારા ગામમાં માત્ર 50 જેટલા ગ્રામજનો વચ્ચે યોજાયેલી બેઠકમાં પણ તેઓ આવ્યા હતા.

આ જ તેમની સૌથી મોટી તાકાત હતી—જનતા સાથેનો સીધો સંપર્ક. તેઓ ગામેગામના કાર્યકર્તાને નામથી બોલાવતા.

૧૯૮૦ના દાયકામાં કોંગ્રેસે ‘KHAM’ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) સમીકરણથી પાટીદારોને સાઈડલાઈન કર્યા હતા. અર્થશાસ્ત્રના જ્ઞાતા ચીમનભાઈ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે આંકડાઓ સાથે સરકારને ઘેરતા હતા. કોંગ્રેસના ‘KHAM’ નો મુકાબલો કરવા તેમણે પોતાની નવી સોશિયલ એન્જિનિયરિંગ ફોર્મ્યુલા શોધી, જેને ‘KOKAM’ (કોકમ) કહેવાય છે:

  • Ko = કોળી (ગુજરાતની મોટી વસ્તી)
  • Ka = કણબી / પાટીદાર
  • M = મુસ્લિમ અને અન્ય પછાત વર્ગો

આ સમીકરણ દ્વારા તેમણે ગુજરાતના ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઓબીસી (OBC) જ્ઞાતિઓને એક પ્લેટફોર્મ પર લાવી દીધા. આ વ્યુહરચના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સુપરહિટ સાબિત થઈ.

ભાજપના સહયોગથી ફરીથી મુખ્યમંત્રી બન્યા

૧૫ વર્ષ સુધી સત્તાથી દૂર રહ્યા પછી અને ‘નવનિર્માણ આંદોલન’ જેવો ડાઘ માથે હોવા છતાં, ચીમનભાઈએ ૧૯૯૦ની વિધાનસભા ચૂંટણીમાં જનતા દળને ૭૦ બેઠકો અપાવી. ભાજપ (૬૭ બેઠકો) સાથે ગઠબંધન કરીને તેઓ ૪ માર્ચ, ૧૯૯૦ના રોજ ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. 

લગભગ એક દાયકાના રાજકીય સંઘર્ષ બાદ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સૌપ્રથમ વખત જનતા દળ સાથે ગઠબંધન કરીને સત્તામાં ભાગીદાર બની હતી. આ સરકારમાં ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા, જ્યારે ભાજપના અગ્રણી નેતા કેશુભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી.

બે નેતાઓ, બે અનુભવો

માર્ચ 1990માં ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પત્રકારો સાથે યોજાયેલા પ્રથમ જાહેર કાર્યક્રમમાં દલસુખભાઈ પટેલે મારા ખબરઅંતર પૂછીને ચીમનભાઈ પટેલ સાથે પરિચય કરાવ્યો હતો. આ ક્ષણ આજે પણ મારી સ્મૃતિમાં તાજી છે.

માર્ચ ૧૯૯૦માં ચીમનભાઈ પટેલના નેતૃત્વમાં જનતા દળ અને ભાજપની ગઠબંધન સરકાર રચાઈ, જે ગુજરાતના ઈતિહાસમાં ભાજપ માટે સત્તાના ગલિયારામાં પ્રવેશવાનો પ્રથમ મોકો હતો. આ ઐતિહાસિક મંત્રીમંડળમાં ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રીનું પદ સોંપાયું. સરકારમાં સંતુલન જાળવવા માટે બંને પક્ષના વરિષ્ઠ નેતાઓ સહિત અંદાજે ૨૨ મંત્રીઓનો સમાવેશ કરાયો હતો, જેમાં સુરેશચંદ્ર મહેતા, વજુભાઈ વાળા, અશોક ભટ્ટ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જેવા ખાસ મંત્રીઓને મહત્વના ખાતા સોંપીને ગુજરાતના વિકાસનો નવો અધ્યાય શરૂ કરાયો હતો.

કેશુભાઈ પટેલ: નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ) અને નર્મદા તેમજ સિંચાઈ વિભાગ જેવા મહત્વના ખાતાઓ.

સુરેશચંદ્ર મહેતા: ઉદ્યોગ અને કાયદા મંત્રી (જેઓ પાછળથી ગુજરાતના મુખ્યમંત્રી પણ બન્યા).

વજુભાઈ વાળા: નાણાં અને મહેસૂલ મંત્રી.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા: કૃષિ અને નાગરિક પુરવઠા મંત્રી.

અશોક ભટ્ટ: નાગરિક પુરવઠો અને આરોગ્ય વિભાગ.

તસવીરમાં ડાબેથી ક્રમશઃ મહેસૂલ મંત્રી શ્રી દલસુખભાઈ ગોધાણી, મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલ, શ્રી પ્રવિણસિંહ જાડેજા, શ્રી દિનશા પટેલ અને શ્રી નરહરિ અમીન નજરે પડે છે. પાછળ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જોવા મળે છે.

ભાજપ સાથે સરકારની રચના બાદ અમદાવાદ ખાતે પત્રકારો દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ચીમનભાઈ પટેલ સૌપ્રથમ વખત મંત્રીમંડળ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હું પણ હાજર હતો. કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં પત્રકારોની ભીડ વચ્ચે બોટાદ-વલભીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા મહેસૂલમંત્રી શ્રી દલસુખભાઈ પટેલની નજર મારા પર પડી. તેમણે તરત જ ઈશારો કરીને મને પોતાની પાસે બોલાવ્યો, મારા ખબરઅંતર પૂછ્યાં અને ચીમનભાઈ પટેલ સમક્ષ મારી ઓળખાણ પણ કરાવી. આ પ્રસંગ મારા માટે ખાસ હતો, કારણ કે ચૂંટણી દરમિયાન કેટલાક કારણોસર મેં તેમનો વિરોધ કર્યો હતો. છતાં તેમણે જે ઉદારતા અને આત્મીયતા દર્શાવી તે આજે પણ યાદ છે.

એ જ કાર્યક્રમમાં શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર હતા. વલભીપુરમાં તેમના અનેક પ્રવાસો, જાહેરસભાઓ અને સંગઠનાત્મક કાર્યક્રમોમાં આયોજન તથા વ્યવસ્થાની જવાબદારીઓ નિભાવવા છતાં તેમણે મારી તરફ કોઈ વિશેષ ધ્યાન આપ્યું નહીં. કદાચ તે સમયે પરિસ્થિતિ એવી હશે, પરંતુ બંને નેતાઓના વર્તનમાં રહેલો આ તફાવત મારા મનમાં આજે પણ સ્પષ્ટ રીતે અંકિત છે.

“ધ ગ્રેટ ક્રાફ્ટસમેન” ની વિદાય

૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ, મુખ્યમંત્રી પદ પર ચાલુ હતા તે દરમિયાન જ હૃદયરોગના હુમલાને કારણે ચીમનભાઈ પટેલનું અવસાન થયું.

આ સમાચાર મને મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ‘મિડ-ડે’ અખબારમાં વાંચવા મળ્યા.

તમને કદાચ જાણીને નવાઈ લાગશે પણ નરહરિભાઈ અમીનના જીવનનો આ સૌથી વધુ હૃદયસ્પર્શી અને વિરોધાભાસી પ્રસંગ છે. રાજકારણના ઈતિહાસમાં આવી ઘટનાઓ જવલ્લે જ બને છે.

“૧૯૭૪ના આંદોલન દરમિયાન જે વિદ્યાર્થી નેતાએ (નરહરિ અમીને) રસ્તાઓ પર ચીમનભાઈ પટેલના પૂતળાં ફૂંક્યા હતા અને તેમની અનેક નકલી ઠાઠડીઓ બાળી હતી… એ જ નેતાના સાચા અવસાન વખતે, ૧૯૯૪માં, નરહરિ અમીનને ખુદ પોતાના ખભા પર ચીમનભાઈની અર્થીને કાંધ આપવી પડી હતી.”

અંતિમ ક્ષણોનું માનસિક દબાણ:

અમીન એક ઇનરવ્યૂમાં એ વાતનો પણ ઉલ્લેખ કરે છે કે ચીમનભાઈના અવસાન પાછળ રાજકીય તણાવ જવાબદાર હતો. ૧૯૯૪ની રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના માધવસિંહ સોલંકીને ભાજપ સામે કોઈ પણ ભોગે જીતાડવાનું કેન્દ્રીય દબાણ ચીમનભાઈ પર હતું. આ પ્રચંડ માનસિક તણાવ (Mental Stress) તેઓ જીરવી ન શક્યા અને અંતે હાર્ટ એટેકને કારણે ‘છોટે સરદાર’ સદાય માટે પોઢી ગયા.

નવનિર્માણ આંદોલનની અજાણી વાતો જાણવા માટે: આ આખા રાજકીય ઘટનાક્રમ અને પડદા પાછળના રહસ્યોને વધુ વિગતવાર સમજવા માટે, નરહરિ અમીનનો શબ્દશઃ ઇન્ટરવ્યૂ અહીં આપેલી લિન્ક પર ઉપલબ્ધ છે: 🔗 વાંચો: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીનનો ખાસ ઇન્ટરવ્યૂ

સમયનું વહેણ અને રાજકારણની વાસ્તવિકતા

Narmada Ghat ચીમનભાઈ પટેલનું સ્મારક (સમાધિ સ્થળ)
૯૮મી જન્મજયંતીએ ગાંધીનગર સ્થિત તેમના સમાધિ સ્થળ “નર્મદાઘાટ” પર પ્રાર્થનાસભા

ગઈકાલે તેમની ૯૮મી જન્મજયંતીએ સવારે ૦૮:૩૦ થી ૦૯:૩૦ દરમિયાન ગાંધીનગર સ્થિત તેમના સમાધિ સ્થળ “નર્મદાઘાટ” પર આયોજિત પ્રાર્થનાસભામાં હું ગયો હતો. ત્યાં હાજરી આપતી વખતે જ ચીમનભાઈના જીવનની આ આખી સફર મારી આંખ સામે તરી આવી. એક જમાનામાં બે-બે વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા અને ‘સાવજ’ જેવી છાપ ધરાવતા ચીમનભાઈની આ પ્રાર્થનાસભામાં તેમના પુત્ર સિદ્ધાર્થભાઈ પટેલ, તેમનો પરિવાર, કેટલાક વફાદાર કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

પરંતુ, સમયનું ચક્ર જુઓ! રાજકારણના આટલા મોટા ગજાના નેતાની પ્રાર્થનાસભામાં વર્તમાન રાજકીય ક્ષેત્રના જાણીતા ચહેરાઓ નહિવત હતા. જૂના સાથીઓમાં માત્ર એક બે જ મુખ્ય ચહેરા જોવા મળ્યા તેમાં એક હતા નરહરિ અમીન કે જેઓ એક સમયે ચીમનભાઈના મંત્રીમંડળમાં ગૃહમંત્રી હતા અને હાલ ભાજપના રાજ્યસભાના સાંસદ છે.

એ સિવાય બિમલ શાહ જેઓ નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભાજપના મહામંત્રી હતા એ વખતે યુવા મોરચાના પ્રમુખ હતા અને કેશુભાઈ પટેલના મંત્રીમંડળમાં પરિવહન મંત્રી રહી ચૂક્યા છે (હાલ તેઓ કોંગ્રેસમાં છે).

આ સિવાય ત્યાં કોઈ મોટો જાણીતો ચહેરો પ્રત્યક્ષ રીતે જોવા ન મળ્યો.

જોકે, સોશિયલ મીડિયાના જમાનામાં ડિજિટલ હાજરી જરૂર વર્તાઈ હતી. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી અને જગદીશ ઠાકોર તેમજ ભાજપના પ્રદેશ અગ્રણી ગોરધનભાઈ ઝડફીયા સહિત કોંગ્રેસ પાર્ટી અને કેટલાક અગ્રણી નેતાઓની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ‘છોટે સરદાર’ને જન્મજયંતી નિમિત્તે વંદન કરવામાં આવ્યા હતા. રાજકારણમાં સત્તા અને સમય બદલાય તેમ ચહેરાઓ પણ બદલાતા રહે છે, પરંતુ ચીમનભાઈ પટેલે ગુજરાતના વિકાસના નકશા પર જે નિર્ણાયક રેખાઓ દોરી છે, તેને ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં.

Nilesh Shah
Nilesh Shah

I enjoy social work, writing, photography, and music. I’m deeply interested in history, Jainism, travel, and entrepreneurship — subjects that continue to inspire my work and life.

Articles: 9