વિજય પાછળનો સંઘર્ષ: વલભીપુર, ભાજપ અને મારી યાત્રા
મને આજે પણ 1972નું એ વર્ષ સ્પષ્ટ રીતે યાદ છે. હું ત્યારે પહેલા ધોરણમાં ભણતો હતો. અમારા શિક્ષક ગગજીભાઈએ શાળાના નાટકમાં મને ‘અડવો’ — એટલે કે મુખ્ય પાત્ર — બનાવ્યો હતો. કદાચ એ જ મારી અંદરના નેતૃત્વના સંસ્કારોની પહેલી પરખ હતી.
આઠમા ધોરણ સુધી શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં આગેવાની કરવાની તક મળી. ધીમે ધીમે નેતૃત્વ, જવાબદારી અને જાહેર જીવન પ્રત્યેનો ઝોક મારા સ્વભાવનો ભાગ બની ગયો. એ સંસ્કારો લોહીમાં વણાઈ ગયા — અને ત્યાંથી જાહેર જીવનની યાત્રા શરૂ થઈ.
દાદાબાપુનો સહવાસ અને રાજવી ગરિમા
ઐતિહાસિક પળોનું સંકલન: (ઉપર) જંગી જનમેદનીને સંબોધી રહેલા ધારાસભ્ય શ્રી પ્રવિણસિંહજી (દાદાબાપુ). (નીચે ડાબે) વલભીપુર રાજમહેલમાં આંતરરાષ્ટ્રીય જૈન સંત પૂ. શ્રી ચિત્રભાનુ મહારાજ સાથે ભક્તિભાવમાં મગ્ન દાદાબાપુ અને તેમની પાછળ આદરભાવ સાથે ઊભેલા મારા પિતાશ્રી મહેન્દ્રભાઈ કે. શાહ.
ઐતિહાસિક સંભારણું: શ્રી જવાહરલાલ નહેરુ અને વલભીપુરના રાજવી શ્રી ગંભીરસિંહજી ગોહિલ સહાધ્યાયી હોવાથી બંને પરિવારો વચ્ચે ગાઢ સંબંધો હતા. તે નાતે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી વલભીપુર રાજમહેલના મહેમાન બન્યા હતા. તસવીરમાં મધ્યમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી સાથે (ડાબી બાજુમાં) યુવરાણી સાહેબ, (જમણી બાજુ) પૂ. બા સાહેબ. (પાછળ) બાપુ સાહેબ શ્રી ગંભીરસિંહજી, પાછળ (ડાબેથી) દાદાબાપુ શ્રી પ્રવિણસિંહજી, જમણી તરફ રાજકુમાર શ્રી જસવંતસિંહજી અને પરિવાર.
એ જ વર્ષે, 1972માં, બોટાદ–વલભીપુર બેઠક પરથી વળા સ્ટેટના યુવરાજ પ્રવિણસિંહજી ગોહિલ (દાદાબાપુ) ધારાસભ્ય બન્યા. તેઓ મારા પિતાજીના ખૂબ નજીકના મિત્ર હતા.
રોજ સાંજે દરબારગઢમાંથી સંદેશો આવે, અને હું પિતાજી સાથે રાજમહેલ પહોંચી જાઉં. ઓરેન્જ શરબતનો સ્વાદ, મેરી બિસ્કિટની મીઠાશ અને મોટા માણસોની ગંભીર ચર્ચાઓ — એ બધું આજે પણ સ્મૃતિમાં જીવંત છે.
દાદાબાપુની વાણીમાં વિનમ્રતા અને વાક્ચાતુર્યનો અનોખો સંગમ હતો—પ્રભાવશાળી અવાજ, રાજવી ઠાઠમાં ઓતપ્રોત સાદગી અને હળવી રમૂજ વચ્ચે પણ સંદેશની સ્પષ્ટતા કદી ખૂટતી નહોતી.
‘મારું વળા, મારી પ્રજા’ — આ માત્ર શબ્દો નહોતા, પરંતુ તેમની જીવંત લાગણી હતી. તેઓ સાચા અર્થમાં માટીના માણસ હતા — પ્રજાના દુઃખ-દર્દને નજીકથી સમજનાર.
તે સમય એવો હતો જ્યારે નેતા અને જનતા વચ્ચે સીધો, પારદર્શક અને લાગણીસભર સંબંધ હતો. નેતૃત્વ લોકલ હતું — જમીન સાથે જોડાયેલું, વિશ્વાસ પર ટકેલું.
વર્ષો પૂર્વે ભાવનગર ખાતે શ્રી દાદાબાપુ (ઠાકોર સાહેબ શ્રી પ્રવિણસિંહજી) સાથેની એક મુલાકાત આજે પણ સ્મૃતિમાં તાજી છે. લગભગ બે કલાક સુધી ચાલેલી એ ગોષ્ઠિમાં અમારા પરિવાર સાથેના જૂના સંબંધો વાગોળતા તેમણે એક ગૌરવ સાથે કહ્યું હતું કે, ‘નીલેશ, મેં તમારા પરિવારની ત્રણ પેઢી જોઈ છે, હવે મારે તમારી દીકરીઓને પણ મળવું છે. એટલે હું કહી શકું કે મેં કપૂરચંદ હેમચંદની ચાર પેઢી જોઈ છે.’
સમયના વહેણ સાથે ઘણા વર્ષો વીતી ગયા અને દાદાબાપુ સાથે મુલાકાત ન થઈ શકી. પરંતુ એક દિવસ પરિવાર સાથે ભાવનગરથી પરત વલભીપુર આવતા વરતેજ પાસે મારી દીકરીએ જીદ પકડી: ‘પપ્પા, તમે ઘણીવાર કહેતા હતા કે આપણા રાજાને મળવા લઈ જઈશ, તો અત્યારે જ લઈ જાઓ!’ દીકરીની એ માસૂમ જીદ સામે મેં કાર પાછી વાળી અને ભાવનગર હિલડ્રાઈવ પર જઈને દીકરીઓને ઠાકોર સાહેબ શ્રી દાદાબાપુ સાથે મળાવી. આમ, દાદાબાપુની એ વર્ષો જૂની ઈચ્છા અને મારી દીકરીઓનો મનોરથ એકસાથે પૂર્ણ થયો.
૧૯૮૪: સંઘર્ષના પાયાથી ઉભેલું સંગઠન
પછી આવ્યો 1984 નો સમય. દેશમાં ભાજપની સ્થાપનાને માંડ ચાર વર્ષ થયા હતા અને કોંગ્રેસનો સમગ્ર દેશમાં દબદબો હતો. એવા સમયમાં વલભીપુર તાલુકામાં ભાજપનો કેસરીયો લહેરાવવાનો સંકલ્પ અમે ચાર મિત્રોએ — ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, કે. જી. પટેલ, શૈલેષ દવે અને મેં — લીધો. હું ત્યારે માંડ અઢાર વર્ષનો, સૌથી નાનો. એ પછી અમારા બીજા મિત્રો પણ જોડાયા.
ન હતી સત્તા, ન હતા સાધનો. ટાઢ-તડકો વેઠતા અને લોકોના અપમાન-જાકારા સહન કરતા અમે ગામડે-ગામડે ભીંતો પર કમળનું નિશાન ચીતરતા.
રામજી મંદિરના ઓટલા પર કે ગામના ચોરાહે બેસીને ગ્રામજનોને ભેગા કરતા, તેમના સુખ-દુઃખની વાતો ધ્યાનથી સાંભળતા. પક્ષની વિચારધારાની ચર્ચા કરતા અને શક્ય તેટલી મદદરૂપ બનવાનો પ્રયત્ન કરતા. અમારો પ્રયાસ માત્ર પ્રચારનો નહોતો — પરંતુ લોકો સાથે કાયમી સંબંધ બાંધવાનો હતો.
ગામડાંમાં હોટલ ક્યાં હોય? નાની લારી કે દુકાન હોય તો પણ ઘણીવાર ખિસ્સામાં પૈસા ન હોય. તેથી વલભીપુરથી સીંગ-ચણા અને પેંડા-ચેવડાના નાનકડા પડીકાં બંધાવી અમે ગામોમાં નીકળી પડતા.
સાંજે ઘરે પરત ફરીએ ત્યારે આખું શરીર ધૂળથી ઢંકાઈ ગયું હોય — પણ મનમાં એક જ સંતોષ રહેતો: પક્ષ માટે અને લોકો માટે કંઈક કરી શક્યા.
અમારો હેતુ એકદમ નિર્વિવાદ હતો — માત્ર જનસેવા અને પક્ષના વિચારનો પ્રચાર-પ્રસાર.
જ્યારે ભાજપની દિલ્હી રેલીને રોકવા સરકારે દમન ગુજાર્યું હતું. શ્રી બુદ્ધેશ્વર મહાદેવના દર્શન કરી દિલ્હી જવા રવાના થતી વખતે વલ્લભીપુર એસ.ટી. બસ સ્ટેન્ડેથી ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી સાથે મારી (નીલેશ શાહ) અને અન્ય સાથી કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.
તાલુકાની જનતાના હક્ક અને હિત માટે અમે ક્યારેય પાછળ હટ્યા નથી. ગરીબોના આંસુ લૂછવાના હોય કે અન્યાય સામે અવાજ ઊઠાવવાનો — દરેક સંઘર્ષમાં અગ્રેસર રહ્યા. અંગત લાભ કે પદની લાલસા વગર, જનતાના પ્રશ્નો માટે રસ્તા પર ઉતરી આંદોલનો કર્યા અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ નિડરપણે લડત આપી.
ટાઢ–તડકો–વરસાદ વચ્ચે કરેલા આ સંઘર્ષોએ લોકોના દિલમાં પક્ષ અને કાર્યકરો પ્રત્યે અખંડ વિશ્વાસ અને આત્મીયતા ઊભી કરી. આ વિશ્વાસ એક દિવસમાં મળતો નથી — તે વર્ષોના પરસેવાથી, નિષ્ઠાથી અને સતત સંપર્કથી કમાવવામાં આવે છે.
સંકટના સમયમાં કાર્યકરની કસોટી
ઐતિહાસિક જવાબદારી: વલભીપુર ખાતે માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેરસભાના આયોજનની સંપૂર્ણ જવાબદારી મારા શિરે હતી. સભા પૂર્વે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પર લોકસભાના ઉમેદવાર શ્રી રતિલાલ વર્મા અને વિધાનસભાના ઉમેદવાર શ્રી સૌરભ પટેલ સાથે આખરી રણનીતિ અંગે ચર્ચાવિચારણા.
1998ની વિધાનસભા ચૂંટણી મારા રાજકીય જીવનનો મહત્વપૂર્ણ વળાંક બની. હું છ મહિના પહેલાં જ વલભીપુરને રામ-રામ કરીને મુંબઈ સ્થાયી થયો હતો. પરંતુ ચૂંટણી પ્રચાર માટે જ્યારે વલભીપુર પરત આવ્યો ત્યારે બોટાદ–વલભીપુર બેઠક પર સૌરભભાઈ પટેલ (દલાલ)ની ઉમેદવારી જાહેર થઈ ચૂકી હતી. આ વખતે વિધાનસભા અને લોકસભા બંને ચૂંટણી એક સાથે યોજાઈ રહી હતી.
સ્થાનિક સ્તરે અસંતોષનો માહોલ હતો. ચૂંટણી કાર્યાલય બંધ થઈ જવા સુધીની સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ પક્ષશિસ્તને શિરોમાન્ય રાખીને અને આદરણીય રતીલાલ વર્માના માર્ગદર્શન હેઠળ મેં કાર્યકરો સાથે સંવાદ સાધ્યો, રોષ શાંત કર્યો અને બંધ કાર્યાલય ફરી શરૂ કરાવ્યું.
મુંબઈથી મારા આવવા પહેલાં સ્થાનિક સ્તરે વિવિધ જવાબદારીઓ સોંપાઈ ગઈ હતી. છતાં બંધ થઈ ગયેલું ચૂંટણી કાર્યાલય ખોલવા કોઈ આગળ આવતું નહોતું. આવી પરિસ્થિતિમાં શ્રી રતીલાલ વર્મા અને શ્રી સૌરભભાઈ પટેલ દ્વારા મધ્યસ્થ કાર્યાલય ઇન્ચાર્જ તરીકેની જવાબદારી મને સોંપવામાં આવી.
બોટાદ બેઠક પર વલભીપુર તાલુકાના મત ચૂંટણી જીતવા માટે નિર્ણાયક હતા. અમે ગામડે ગામડે જઈ લોકોમાં વિશ્વાસ જમાવ્યો અને સંગઠનને એકતામાં બાંધી સૌરભભાઈને વિજય અપાવ્યો. તાલુકાના આગેવાનોને મનાવવાની અને મતભેદો સમાધાન કરાવવાની અનેક ઘટનાઓ છે — પરંતુ એ તમામ અહીં વિગતે કહેવું યોગ્ય નથી.
અમે ગામડાના સાદા કાર્યકરો. બે મીઠા શબ્દો સાંભળીએ એટલે દોડીને કામે લાગી જઈએ. લાગણીમાં જાત ઘસીને કામ કરવું — એ જ અમારો સ્વભાવ. ક્યારેક એ ગીત યાદ આવે છે—
“सब कुछ सीखा हमने, ना सीखी होशियारी…”
આ સમગ્ર પ્રક્રિયામાં એક કડવી સમજણ થઈ. રાજકારણમાં નિષ્ઠા અને પરિશ્રમ જેટલા જરૂરી છે, એટલા જ આજે જાતિ-સમાજનું ગણિત, પ્રભાવ, સત્તા અને નજીકના સંબંધો પણ મહત્વ ધરાવે છે.
વર્ષો સુધી પાયો મજબૂત કરવાનો પરિશ્રમ કરનાર કાર્યકરો ઘણીવાર પાર્શ્વભૂમિમાં જ રહી જાય છે, જ્યારે તૈયાર મંચ પર બેસવાનો અવસર બીજા લોકો મેળવી લે છે. આ હકીકત મેં પ્રથમ વખત ગાઢ રીતે અનુભવી.
પક્ષના સારા દિવસો આવ્યા અને વિધાનસભામાં પહેલી વખત સત્તા પ્રાપ્ત થઈ ત્યારે સ્વાભાવિક રીતે જ મનમાં વિચાર આવ્યો કે પાયાના કાર્યકરને પણ સેવા માટે યોગ્ય અવસર મળવો જોઈએ. તેથી ચૂંટણી પછી મેં સૌરભભાઈ સમક્ષ વિનમ્રતાપૂર્વક રજૂઆત કરી કે ગુજરાત સરકારના કોઈ બોર્ડ-નિગમમાં સેવા કરવાનો અવસર મળે તો સારું.
પરિણામ જે પણ આવ્યું હોય, પરંતુ એ અનુભવથી રાજકારણની વાસ્તવિકતા વધુ સ્પષ્ટ થઈ ગઈ.
“અત્તર નીચોવી લીધા પછી ફૂલને કોણ પૂછે?”
પરંતુ સુગંધ તો હવામાં રહી જ જાય છે.


વર્ષ 2002ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન વલભીપુર ખાતે યોજાયેલી જાહેરસભા પ્રસંગે નરેન્દ્રભાઈ મોદી સાથે — ખૂલી જીપમાં ઉમેદવાર સૌરભ પટેલ અને હું.
સૌરભ પટેલ: વહીવટી દક્ષતા અને ‘Win-Win’ રાજનીતિ


ગુજરાતના રાજકારણમાં લાંબા સમય પછી ભણેલા-ગણેલા, વિઝનરી અને આધુનિક વિચારસરણી ધરાવતા નેતા તરીકે સૌરભભાઈ પટેલનું આગમન નોંધપાત્ર ગણાયું. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતને આર્થિક અને ઔદ્યોગિક રીતે લાભદાયક થાય તેવા અનેક નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા. ખાસ કરીને ઊર્જા અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના માર્ગદર્શનથી રાજ્યની વિકાસયાત્રાને નવી દિશા અને ગતિ મળી.
તે સમયગાળા દરમિયાન સરકાર અને સૌરભભાઈ બંને માટે પરિસ્થિતિ અનુકૂળ રહી — સરકારને ટેકનિકલ સમજ અને વ્યાપારી અનુભવો ધરાવતા મંત્રી મળ્યા, જ્યારે સૌરભભાઈને પોતાની કાર્યક્ષમતાને સાબિત કરવાનો અવસર મળ્યો.
તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં તેમણે નીતિગત નિર્ણયો અને અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. કેન્દ્ર સરકારના વિવિધ કાર્યક્રમો અને મુખ્યમંત્રીઓની બેઠકોમાં પણ તેઓ નરેન્દ્રભાઈની સાથે રહીને ગુજરાતનું મજબૂત પ્રતિનિધિત્વ કરતા જોવા મળતા. વહીવટી સ્તરે તેમની પકડ પાછળ તેમનો વ્યાપક વ્યવસાયિક અનુભવ અને કોર્પોરેટ જગત સાથેનો સંકલનકારક અભિગમ જવાબદાર હોવાનું માનવામાં આવતું. તેમણે રાજ્યના વિકાસ અને ઔદ્યોગિક હિતો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયત્ન કર્યો.
પરંતુ રાજકારણના પ્રવાહ હંમેશા સ્થિર રહેતા નથી. સમયાંતરે મતવિસ્તારો બદલાયા; તેમણે બોટાદનું ચાર વખત અને અકોટાનું એક વખત પ્રતિનિધિત્વ કર્યું. બદલાતા રાજકીય સમીકરણો સાથે સ્થાનિક સ્તરે નવા નેતૃત્વને પ્રાધાન્ય મળવા લાગ્યું. આ પરિવર્તનોએ પક્ષના આંતરિક માળખામાં નવા સંતુલનો સર્જ્યા, જેના પ્રભાવ પાયાના કાર્યકરો અને દીર્ઘકાલીન આયોજન પર પણ અનુભવાયા.
મોટા મંત્રીઓ, પણ વલભીપુરનો વિકાસ ક્યાં?
વલભીપુરે અનેક વખત મોટા મંત્રીઓને ચૂંટ્યા. રાજ્ય કક્ષાના અને કેબિનેટ સ્તરના નેતાઓ આ ધરતી પરથી ઊભા થયા. છતાં પ્રશ્ન એ જ રહ્યો — વલભીપુરને તેની લાયકાત મુજબ વિકાસ મળ્યો શું?
વર્ષો સુધી મહત્વના વિભાગો સંભાળનારા નેતાઓ હોવા છતાં ઉદ્યોગ, રોજગાર અને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રમાં વલભીપુર પાછળ જ રહ્યું. GIDC જેવી યોજનાઓનો વ્યાપ અન્ય વિસ્તારોમાં વધ્યો, પરંતુ વલભીપુર માટે સ્થાયી અને દૃઢ ઔદ્યોગિક દિશા નિર્ધારિત થઈ શકી નહીં.
મારો આ પ્રશ્ન વ્યક્તિગત નથી — આ પ્રશ્ન એક કાર્યકર તરીકેની વ્યથા છે, જે જમીન સાથે જોડાયેલો છે અને લોકોની અપેક્ષાઓને નજીકથી જોયેલી છે.
નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે સૌરભ પટેલ તેમની સરકારમાં મહત્વના ખાતાઓ સંભાળતા હતા. તેઓ મુખ્યત્વે ઊર્જા, પેટ્રોકેમિકલ્સ, ખાણ અને ખનીજ, ઉદ્યોગ, અને નાણા વિભાગના રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) મંત્રી તરીકે જવાબદારી નિભાવતા હતા. બાદમાં કેબિનેટ મંત્રી તરીકે પણ વિવિધ મહત્વપૂર્ણ ખાતાઓ સંભાળ્યા હતા. હાલમાં તેઓ સક્રિય રાજકીય મંચ પર ઓછા જોવા મળે છે.
સીમાંકનનો ઘા
2000ની સીમા નિર્ધારણ (Delimitation) પછી વલભીપુર SC અનામત બેઠક બની. પરિણામે સ્થાનિક સામાજિક-રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવ્યો.
એક સમય હતો જ્યારે ઉદ્યોગ લોબી અને રાજકીય પ્રભાવ ધરાવતા નેતાઓ પાસે વલભીપુર માટે નવી દિશા ઘડવાની તક હતી. પરંતુ સીમા ફેરફાર બાદ વિસ્તારનું પ્રાથમિકતા-સ્થાન ઘટતું ગયું — અને વિકાસની ગતિ પણ ધીમી પડી.
વલભીપુરનું ભૂગોળ, તેનું ઐતિહાસિક મહત્વ અને તેની સામાજિક શક્તિ — આ બધું હોવા છતાં વિકાસ માટે એક સંકલિત દૃષ્ટિકોણનો અભાવ રહ્યો.
ધંધુકા લોકસભા બેઠક અંદાજે ૧૯૭૭થી ૨૦૦૮ સુધી અનુસૂચિત જાતિ (SC) માટે અનામત રહી હતી, જેમાં વલભીપુર મહત્વનો ભાગ હતો. ૨૦૦૮ના સીમાંકન બાદ આ બેઠક અસ્તિત્વમાં રહી નહોતી.
૧૯૮૪થી ધંધુકા લોકસભા બેઠકની કુલ છ ચૂંટણીઓમાં પાર્ટીના ઉમેદવાર શ્રી રતિલાલ વર્માને વિજયી બનાવવા માટે મેં કોઈ પણ પદ, પ્રતિષ્ઠા કે આર્થિક મોહ રાખ્યા વગર તન-મન-ધનથી સક્રિય કામગીરી કરી. મારી આ નિઃસ્વાર્થ વફાદારીને કારણે રતિલાલ વર્માજીને મારા પ્રત્યે વિશેષ આદર અને સ્નેહ હતો.
મારું એકમાત્ર લક્ષ્ય ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો પ્રસાર અને મજબૂત આધાર ઉભો કરવાનો હતો. કલમ ૩૭૦ નાબૂદ થાય અને અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું ભવ્ય મંદિર નિર્મિત થાય — આ બે એવા રાષ્ટ્રીય સંકલ્પો હતા, જે મારા જીવનકાળમાં સાકાર થશે એવો મને ત્યારે વિશ્વાસ નહોતો.
આજે આ બંને ઐતિહાસિક નિર્ણયો સાકાર થતા જોઈને એક પાયાના કાર્યકર તરીકે ગર્વ અને સંતોષનો અનુભવ કરું છું — કારણ કે વર્ષો સુધી કરેલા સંઘર્ષ અને વિશ્વાસનો આ એક જીવંત સાક્ષ્ય છે.
મારો પ્રશ્ન આજેય એ જ છે —
વલભીપુર પાસે ક્ષમતા ઓછી હતી કે દૃષ્ટિનો અભાવ હતો?
જો દૃષ્ટિ અને ઇચ્છાશક્તિ જોડાય, તો વલભીપુર ફરીથી પોતાની ઓળખ ઊભી કરી શકે છે.
કારણ કે જમીન આજે પણ એ જ છે, લોકો આજે પણ મહેનતુ છે — ફક્ત દિશા જોઈએ.





કેટલાક અખબારી કટિંગ્સ: સેવાની સફરના અકાટ્ય પુરાવા








સપ્ટેમ્બર 1967માં દેશમાં જનસંઘને મળેલી પ્રથમ નગરપાલિકા જીત બોટાદમાં નોંધાઈ હતી. બોટાદ નગરપાલિકાની કુલ 25 બેઠકોમાંથી 21 બેઠકો જનસંઘે જીતવી એ સમય માટે ઐતિહાસિક ઘટના હતી.
આ જીત પાછળ માત્ર ચૂંટણી પ્રચાર નહીં, પરંતુ બોટાદમાં પાણીની અછત જેવી ગંભીર સમસ્યા સામે જનસંઘના કાર્યકરો દ્વારા કરાયેલ સશક્ત આંદોલન જવાબદાર હતું. જનહિતના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને લડાયેલી આ લડતનું પરિણામ ચૂંટણી વિજયરૂપે સામે આવ્યું. તે સમયગાળામાં બટુકભાઈ મહેતા અને ત્યારબાદ જસુભા ભાટી પ્રથમ વખત પ્રમુખ પદે ચૂંટાયા.
અત્રે ઉલ્લેખનીય છે કે 1998ની વિધાનસભા ચૂંટણીમાં પહેલી વખત બોટાદ–વલભીપુર બેઠક પર ભાજપને વિજય પ્રાપ્ત થયો હતો. સૌરભભાઈ પટેલનો કોંગ્રેસના કાનજી ભુરાભાઈ મેર સામે વિજય થયો હતો.
વલભીપુરમાં વર્ષો સુધી ખારું અને ફ્લોરાઈડયુક્ત પાણી લોકો માટે પ્રાણ પ્રશ્ન બની ગયું હતું. મારા દાદા, પિતાજી અને મેં આ સમસ્યાના નિરાકરણ માટે અનેક રજૂઆતો અને અરજીઓ કરી. અંતે 1989માં ગામના આગેવાનોના સહકાર સાથે અને વલભીપુર તાલુકા પ્રમુખ શ્રી નરસિંહ ઘેલડાની સાથે રહીને મેં મીઠું પાણી મેળવવા માટે સશક્ત આંદોલન કર્યું હતું.
આ આંદોલન ઘણા દિવસો સુધી ચાલ્યું — પરંતુ એ માત્ર પાણી માટેની લડત નહોતી; એ લોકોના જીવનની ગુણવત્તા અને સ્વાભિમાન માટેનો સંઘર્ષ હતો.



































