Kerala

કેરળના પૂવાર બેકવોટર્સમાં એક યાદગાર સફર: જ્યારે કુદરતે બતાવ્યું તેનું રૌદ્ર અને સુંદર સ્વરૂપ!

કેરળ, એટલે કે ‘God’s Own Country’. હું મારા ફેમીલી સાથે કેરાલાના પ્રવાસે ગયો હતો એ વખતની એટલેકે આજથી 10 વર્ષ પહેલાંની આ વાત છે. તિરુવનંતપુરમ (Trivandrum) નજીક આવેલું કોવલમ તેના અદભૂત દરિયાકિનારા માટે જાણીતું છે, પણ ત્યાં અમારો મુકામ હતો પ્રખ્યાત ‘Country Spa’ રિસોર્ટમાં. કોવલમ બીચની મજા માણ્યા પછી બીજા દિવસે અમારો પ્લાન હતો ‘પૂવાર બેકવોટર્સ’ (Poovar Backwaters) જોવાનો.

સફરની શરૂઆત: શાંતિ અને ઉત્સાહ

કોવલમથી આશરે ૨૦ કિમી દૂર આવેલું પૂવાર પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. બપોરે જમી-પરવારીને અમે રિક્ષા દ્વારા અડધા કલાકની મુસાફરી કરી બોટિંગ પોઈન્ટ પહોંચ્યા. ત્યાં બે પ્રકારના વિકલ્પો હતા: ફાઈબરની મોટર બોટ અને પરંપરાગત લાકડા તથા વાંસમાંથી બનેલી ‘શિકારા’. મારી પત્નીને આ પરંપરાગત શિકારામાં બેસવાનો ભારે શોખ, એટલે અમે ₹૨,૦૦૦ થી ₹૩,૫૦૦ ના રેટમાં મળતી લક્ઝરી શિકારા બુક કરી.

બપોરના ૧.૪૫ વાગે અમે બોટીંગ શરૂ કર્યું ત્યારે તડકો હતો. આજુબાજુના દ્રશ્યો જોતા ફોટોગ્રાફી કરતાં અમે બોટમાં અરબી સમુદ્ર તરફ આગળ વધ્યા. અમે પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે અમારી સફર શરૂ કરી. આ બેકવોટર્સની ખાસિયત એ છે કે અહીં નદી, સરોવર અને દરિયો એકબીજાને મળે છે.

મેન્ગ્રોવની ‘ગ્રીન ટનલ’ અને એક ચેતવણી

અમે ગાઢ મેન્ગ્રોવના જંગલો વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. પાણીના માર્ગો એટલા સાંકડા હતા કે ઝાડની ડાળીઓ પાણીને અડતી હતી. આ કોઈ ગ્રીન ટનલ જેવું જ લાગતું હતું! ઉત્સાહમાં આવીને મારી પત્નીએ પાણીમાં હાથ નાખીને મસ્તી કરવાનું શરૂ કર્યું, પણ ત્યાં જ બોટ ચાલકે અમને તાકીદ કરી, “પાણીમાં હાથ ન નાખશો, અહીં ઝેરી સાપ પણ હોઈ શકે છે!” આ સાંભળીને ક્ષણભર માટે અમારામાં ફાળ પડી અને અમે સાવધ થઈ ગયા.

અમે અરબી સમુદ્ર તરફ આગળ વધ્યા, ત્યાં જ આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ગર્જના અને વીજળીના કડાકા શરૂ થયા!

શાંતિથી આગળ વધતી અમારી બોટ જ્યારે નૈય્યાર નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થળ (Estuary) તરફ પહોંચી, ત્યારે દ્રશ્ય અદભૂત હતું. પણ અચાનક આકાશમાં ગડગડાટ શરૂ થયો. બપોરના સમયે સાંજ જેવું અંધારું છવાઈ ગયું. કાળા ડિબાંગ વાદળો અમારી પાછળના ભાગેથી સમુદ્ર તરફ ધસી રહ્યા હતા. મેં મારા જીવનમાં આવું વાદળોનું ભયાનક દ્રશ્ય ક્યારેય જોયું ન હતું. પરિવારના સભ્યો થોડા ગભરાયા, પણ એક ફોટોગ્રાફર તરીકે હું એ દ્રશ્યો કેમેરામાં કેદ કરવામાં મશગુલ હતો. બોટ ચાલકને માત્ર સ્થાનિક ભાષા અને થોડું અંગ્રેજી આવડતું હતું. તેણે પૂછ્યું, “ગોલ્ડન સેન્ડ બીચ પર જવું છે કે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ તરફ?” ફોટોગ્રાફીના મોહમાં મેં બીચ તરફ જવા ઈશારો કર્યો.

સંકટની પળ: એન્જિન બંધ અને લાચારી

અમારી બોટ જેમ બીચ તરફ ગઈ, તેમ કુદરત વધુ કોપી હોય તેવું લાગ્યું. વરસાદનું જોર વધતું જતું હોવાથી વાવાઝોડું આવ્યું હોય તેમ લાગતાં બીજા પ્રવાસીઓ ઉતાવળે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ તરફ ભાગી રહ્યા હતા, પણ અમે તો દરિયા કિનારાની સાંકડી પટ્ટી (જે માત્ર ૩૦-૫૦ મીટર પહોળી હતી) પાસે પહોંચ્યા હતા. અમે આ નદી અને સમુદ્ર વચ્ચેની સોનેરી રેતીની સાંકડી પટ્ટી પાસે પહોંચ્યા, ત્યારે પવન અને વરસાદનું જોર વધ્યું.

અહીં નદી અને દરિયા વચ્ચેનું અંતર એટલું ઓછું છે કે તમે એક જ જગ્યાએ ઉભા રહીને બંને તરફના પાણીના અવાજ સાંભળી શકો છો. એમાં આધુરામાં પૂરું વરસાદનો અવાજ અને વીજળીના કડાકા ભડાકા. ત્યાં જ અચાનક અમારી બોટનું એન્જિન બંધ પડી ગયું!

અમે જોયું કે ગોલ્ડન સેન્ડ બીચ પર જે સહેલાણીઓ ફરતા હતા એ બધા પોતપોતાની બોટમાં બેસીને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ તરફ જવા લાગ્યા હતા. બીચ પર નારિયેળ પાણી વેચનાર માણસ પણ પોતાનો સ્ટોલ મૂકીને એક બોટમાં જતો રહ્યો. 
હવે વરસાદનું પાણી બોટમાં વધુ ભરાવા લાગ્યું. અમે ચાર સભ્યો અને લાઈફ જેકેટ માત્ર બે! મેં તાત્કાલિક બંને દીકરીઓને જેકેટ પહેરાવી દીધા. સમુદ્રના મોજાં ઉછળીને બીચ સાથે અથડાતા હતા અને પવનના સુસવાટા સાથે અમે ઠંડીમાં ધ્રૂજવા લાગ્યા. બોટવાળો સતત એન્જિન રિપેર કરવાનો પ્રયત્ન કરતો હતો પણ સફળતા મળતી નહોતી. ચારેબાજુ પાણી અને અસહાય અમે! મારી પત્નીએ ગભરાઈને ‘Help Help’ની બૂમો પાડવાનું શરૂ કર્યું, પણ વરસાદના અવાજમાં કોઈ સાંભળનાર ન હતું.

નજર સામે એક તરફ  અરબી સમુદ્રમાં ઉછળતા મોજા અને બીજી બાજું દૂર તરતી રેસ્ટોરન્ટ.  અમારી બોટનો ખલાસી અમને ધીરજ રાખવા કહેતો પણ…મારા પત્નીની ધીરજ  ખુટી . બન્ને દીકરીઓ બહાદુર, પણ ઠંડીથી ધ્રુજતી હતી. અમે  સૌ ખુબ ભીંજાયા હતાં. કેમેરા પણ પલળી ગયા. મેં ફોટોગ્રાફી બંધ કરી અને પત્ની તથા દિકરીઓને હિંમત આપવા માંડી.
મારા પત્નીએ દૂર જતા બોટ વાળાઓને મદદ માટે સાદ દેવાનું શરૂં કર્યું પણ કોઈ ઉભું ન રહ્યું.  અમારી બોટનો ખલાસી ગુસ્સે થઈ તેને શાંતિથી બેસી રહેવા કહેતો રહ્યો.
મારા પત્નીએ પ્રાર્થના શરૂ કરી. અને મને પણ સાઇબાબાને પ્રાર્થના કરવા કહ્યું.
મેં બાબાનું સ્મરણ કર્યું.
હું વિચારતો હતો કે વધારે વખત આમ રહેશે તો બાળકોને ઠંડી ચડી જશે અને મારા પત્નીનો ગભરાટ વધતો જશે. હવે શું કરવું..?

એવામાં દૂરથી એક બોટ આવતી દેખાઈ. એ એ જ બોટ હતી જેના ચાલકે અગાઉ અમને ઈશારો કર્યો હતો. તે ખરેખર દેવદૂત બનીને આવ્યો! તેણે અમને તેની બોટમાં બેસાડ્યા અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ સુધી પહોંચાડ્યા.

ત્યાં પહોંચ્યા પછી અમે હાશકારો અનુભવ્યો. ગરમાગરમ ચા પીને જીવમાં જીવ આવ્યો. આશરે કલાક પછી વરસાદ ધીમો પડ્યો અને અમારી બોટનો ચાલક પણ એન્જિન રિપેર કરીને ત્યાં પહોંચ્યો. તે અમને સલામત રીતે કિનારે પરત લઈ ગયો.

પૂવારની એ સફર જે શાંતિથી શરૂ થઈ હતી, તે એક રોમાંચક અને ડરામણા અનુભવમાં ફેરવાઈ ગઈ. આજે પણ જ્યારે અમે એ કાળા વાદળો અને એન્જિન બંધ પડવાની ક્ષણો યાદ કરીએ છીએ, ત્યારે મન ભરાઈ આવે છે. એ પ્રવાસ અમારા જીવનનો સૌથી યાદગાર અને જીવનભર ન ભૂલાય તેવો અનુભવ બની રહ્યો.

Nilesh Shah
Nilesh Shah

I enjoy social work, writing, photography, and music. I’m deeply interested in history, Jainism, travel, and entrepreneurship — subjects that continue to inspire my work and life.

Articles: 15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *