
સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં ભાલ પ્રદેશનો વિસ્તાર વિશાળ સપાટ મેદાનોથી ભરેલો છે. અહીં વરસાદની ઋતુમાં જળબંબાકાર અને ઉનાળામાં નાના નાના ગામો ઝાંઝવાના જળમાં તરતા જોવા મળે છે. સૂકા સપાટ વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ચડતી રહે છે. હમણાં સુધી આ વિસ્તારમાં લીમડો, પીલુડી, બાવળ, ગાંડો બાવળ, બોરડી અને પીપળ જેવાં કેટલાંક વૃક્ષો સિવાય અહીં બીજાં કોઈ વૃક્ષો જોવા મળતા ન હતાં.
વલભીપુર એ ભાલ પ્રદેશનું નાકું છે એમ મારા પપ્પા કહેતા. આ પ્રદેશમાં પ્રાચીન વલભીના ખંડેર પર વસેલા વલભીપુર ગામની એક તરફ ઘેલો નદી વહે છે અને બીજી બાજુ ફૂલકું અથવા ગોદાવરી નામની સૂકી નદી આવેલી છે.
વલભીપુરના લોકોએ વર્ષો સુધી ખારું પાણી પીધું. અહિયાં જમીનના તળમાં ખારું પાણી નીકળે છે. એ સાબિત કરે છે કે પૂર્વે અહિયાં સમુદ્ર કિનારો હતો.
વલભીપુરના ઐતિહાસિક મંદિરો અને અવશેષો:
ગામની બહાર ઘણા પ્રાચીન શિવ મંદિરો છે, જેમ કે સિદ્ધેશ્વર, બુદ્ધેશ્વર, ભીડભંજન, પ્રગટનાથ, વૈજનાથ, ભૂતનાથ વગેરે આવેલા છે. આ બધા શિવમંદિરોમાં શિવલિંગ ભૂગર્ભ માંથી પ્રગટ થયા છે.

પ્રાચીન સમયમાં આ રાજ્ય ગુજરાતના દ્વીપકલ્પના ભાગમાં સ્થિત હતું. 1946 પહેલા, ભૂતપૂર્વ રજવાડા દરમિયાન, તેનું નામ ‘વળા’ હતું. જૈનાચાર્ય શ્રી નેમિસૂરિની પ્રેરણાથી આ ગામનું નામ ફરીથી વલભીપુર પડ્યું. જોકે જોડણીની ભૂલના કારણએ એ વલ્લભીપુર તરીકે ઓળખાવા લાગ્યું. હાલમાં એ તાલુકાનું મુખ્ય મથક પણ છે.
આ દેશ ઇ. સ. 770 પહેલા ભારતમાં પ્રખ્યાત હતો. અહીંની ખ્યાતિનું કારણ વલભી યુનિવર્સિટી હતી, જેની સરખામણી તક્ષશિલા અને નાલંદાની સાથે થતી હતી. ગુપ્તકાળ પછીના શાસકોના ઘણા શિલાલેખો વલ્લભીપુર અથવા વલભીમાંથી મળી આવ્યા છે.
વલભી એક સમયે શ્રી શત્રુંજય મહાતીર્થની તળેટી હતી. એક સમયે, વલભીપુર બૌદ્ધ, શૈવ અને જૈન ધર્મના ઇતિહાસનું કેન્દ્ર હતું.
વલ્લભીપુર પ્રાચીન મૈત્રક વંશની રાજધાની હતી.
ઇ. સ. 470 માં, ગુપ્ત વંશના સેનાપતિ ભટ્ટાર્કે અહિયાં મૈત્રક વંશની સ્થાપના કરી. લગભગ ઇ. સ. 780 સુધી વલભી પશ્ચિમ ભારતની રાજધાની રહ્યા, પછી અચાનક ઈતિહાસના પાનામાંથી ગાયબ થઈ ગઈ.
મિત્રો, નાલંદા આજે ફરી ચર્ચામાં છે. આપણે ખૂબ જ ખુશ છીએ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં નાલંદામાં એક નવી યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું છે. પણ મિત્રો, વિશ્વમાં જ્યાં જ્યાં ભારતની પ્રાચીન નાલંદા, તક્ષશિલા વિદ્યાપીઠનો ઉલ્લેખ થાય છે ત્યારે ગુજરાતની વલભી યુનિવર્સિટીને પણ ચોક્કસ યાદ કરવામાં આવે છે. તો પછી વલભીના અવશેષો બહાર લાવવામાં આટલી ઉદાસીનતા શા માટે? એ પ્રશ્ન સ્વાભાવિક છે.

આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારત અને વિદેશમાં અવારનવાર વલભી વિદ્યાપીઠના વખાણ કરતા કરતાં હોય છે પણ પ્રાચીન વલભીની શોધ, સંશોધનમાં કોઈ રસ લેતું નથી તેવું લાગે છે.
નાનપણમાં જ્યારે હું ત્રીજા કે ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે પુસ્તકમાં એક પાઠ આવતો હતો જેનું નામ કદાચ ‘હમારી પ્રાચીન વિદ્યાપીઠ’ હતું. આ પાઠમાં નાલંદા અને તક્ષશિલાના ચિત્રો દર્શાવવામાં આવ્યા હતા પરંતુ વલભી વિદ્યાપીઠના નામની બાજુમાં કોઈ ચિત્ર નહોતું. ત્યારથી હૃદયમાં એક વેદના હતી, એક પ્રશ્ન હતો કે આપણું ગામ પ્રાચીન હોવા છતાં અહીં જોવા માટેના અવશેષો કેમ નથી?
પ્રાચીન વલભીના ખંડેર પર વલભીપુર
એવું કહેવાય છે કે ભગવાન બાળકોની પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે. મારા વિચારો ભગવાન સુધી પહોંચ્યા હશે અને થોડા મહિનાઓ પછી અમારા ગામમાં તળાવ પાસેની ખુલ્લી જમીન પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ખોદકામનું કામ શરૂ થયું હતું. હું દરરોજ સાંજે મારા પપ્પા સાથે ત્યાં જોવા જતો હતો. મને જિજ્ઞાસા રહેતી હતી કે આજે ત્યાં શું મળ્યું હશે? મારા પિતા એક સામાજિક કાર્યકર હોવાથી, ગામના તમામ લોકો અને અગ્રણીઓ તેમને ઓળખતા હતા, તેથી હું પુરાતત્વ વિભાગ દ્વારા ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં ઉતરીને અવશેષો જોવા જતો પણ કોઈ રોકતું ન હતું. હું ત્યાંથી મળેલા માટીના વાસણો, ઘરેણાં અને રમકડાંને પણ સ્પર્શતો અને જોતો હતો. ઉત્ખનન નું કાર્ય જોઈને હું ખૂબ જ ખુશ થતો હતો પણ થોડા દિવસો પછી અચાનક કામ બંધ થઈ ગયું.

બંધ શું? ત્યારથી લઈને આજદિન સુધી લગભગ 45 વર્ષ પછી પણ વલભીપુરમાં પુરાતત્વ વિભાગ દ્વારા ફરી ક્યારેય ખોદકામની કામગીરી કરવામાં આવી નથી. સમયાંતરે અમે વિવિધ સરકારોને અરજી કરી અને અખબારોમાં પણ લખ્યું. પણ ક્યાંયથી કોઈ જવાબ ન આવ્યો.
આપણે વલભીપુરના ઇતિહાસની સંક્ષિપ્તમાં વાત કરીએ તો, આજથી ૨૧૦૦ વર્ષ પહેલા, ઈ. સ. ૩૦૦ આસપાસ વલભીપુર ૧૩૦૦૦ માઇલનાં પ્રદેશમાં શાસન ધરાવતું પશ્ચિમ ભારતનું પાટનગર હતું. મૈત્રક વંશના શાસન દરમિયાન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વતન વડનગર વલભીની પ્રાંતિક રાજધાની હતી.
એ જમાનામાં વલભીપુર વાણિજ્ય, ઉદ્યોગ અને ધાર્મિક પ્રવૃત્તિઓથી ધમધમતું, પાંચ માઇલનાં ઘેરાવામાં વિસ્તરેલું એક મહાનગર હતું; તેમજ ધીકતું બંદર પણ હતું. તે સમયે હિંદુસ્તાનની મુખ્ય ત્રણ યુનિવર્સિટીઓ પૈકી ‘વલભી વિદ્યાપીઠ’ વિશ્વ વિખ્યાત હતી. હ્યુએન ત્સાંગ અને ઇત્સિંગ જેવા ચીની મુસાફરોએ પાના ભરીને વલભીનું પ્રવાસ વર્ણન કર્યું છે. ગુણગાન ગાયા છે. પરંતુ જ્યારે વલભીપુરનો ભંગ થયો, તેની જાહોજલાલી નષ્ટ થઈ ત્યારપછી માનવ સ્વભાવ મુજબ જેમ જુવાની કે જાહોજલાલી અસ્ત થાય; અથવા કોઇ વસ્તુ, નગર અથવા માણસ ભાંગી જાય તો પછી તેને કોઈ પુછતું નથી તેવું વલભીનું પણ થયું.
આજે પણ એજ સ્થિતિ છે. ઘણી વખત વલભીપુરના ગુણગાન તો ગવાય છે; પરંતુ બાકી બીજું ખાસ કંઈ નહીં. લાભની તો વાત જ નહીં. અહીંથી ચુંટાઈને ગુજરાત સરકારમાં ધારાસભ્ય કે મંત્રી તરીકે બેસતા સત્તાધીશો પણ સ્થાનિક નહિ હોવાથી અને આ વિષયમાં લાંબી ગતાગમ ન હોવાથી પ્રાચીન વલભીના ખંડિયરો પરથી ધૂળ ખસી શકી નહીં.
જાજ્વલ્યમાન જૈન ઇતિહાસ


વલભીપુર બૌદ્ધ, શૈવ અને જૈન ધર્મના ઇતિહાસનું કેન્દ્ર રહ્યું છે. અહીંના જૈન ઇતિહાસની વાત કરીએ તો ઇ. સ. ૪૫૩માં શ્રી દેવર્ધીગણી ક્ષમાશ્રમણ મહારાજની અધ્યક્ષતામાં વલભીમાં ૫૦૦ જૈનાચાર્યો અને તેમના સેંકડો શિષ્યોએ મળીને વર્ષો સુધી મહામહેનત કરીને કંઠસ્થ રખાતા આગમોને (લિપિબધ્ધ) ગ્રંથસ્થ કર્યા હતા. વલભી એક જમાનામાં શ્રી શત્રુંજય મહાતીર્થની તળેટી હતી. વલભીના રાજ દરબારમાં વલભીનાં પનોતા પુત્ર, ભાણેજ જૈનાચાર્ય શ્રી મલ્લવાદીજી મહારાજે બૌદ્ધ આચાર્ય શ્રી ધર્મોત્તરકીર્તિને શાસ્ત્રાર્થમાં હરાવી દેતા બૌદ્ધો વલભી ક્ષેત્ર છોડીને ચાલ્યા ગયા હતા. આ પ્રસંગોની યાદગીરી રૂપે આજે પણ વલભીપુરના હાઇવે પર શેઠ શ્રી જીનદાસ ધર્મદાસની પેઢીના જૈન દેરાસર ખાતે ભોયરામાં ૫૦૦ આચાર્યો અને શ્રી મલ્લવાદીજી મહારાજની પ્રતિમા બિરાજમાન છે.
વલભીના રાજદરબારમાં જૈનાચાર્ય શ્રી મલ્લવાદીજી મહારાજે બૌદ્ધ આચાર્યને વાદ-વિવાદમાં હરાવ્યા, બૌદ્ધોએ વલ્લભી વિસ્તાર છોડી દીધો. તે પહેલાં, ઇ. સ. 300 આસપાસ વલભીમાં શક રાજાઓનું શાસન હતું. તેઓ જૈન ધર્મ પ્રત્યે સહિષ્ણુ હતા. જૈન ધર્મગુરુઓને તેમના રાજ્યમાં રાજ્યાશ્રય મળ્યો હતો. દરમિયાન, ઇ. સ. 313 માં, વિદ્વાન જૈન આચાર્ય શ્રી નાગાર્જુનની અધ્યક્ષતામાં વલ્લભી ખાતે એક વિશાળ સંમેલન યોજાયું હતું. તેમાં જૈન સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી હતી અને મુખપાઠ રખાતા શાસ્ત્રોને લખી રાખવાનો વિચાર કરવામાં આવ્યો હતો.
ઇ. સ. 555 માં વલ્લભીમાં ઘણા જૈન મંદિરો હતા. આ સિવાય 8 વિશાળ જ્ઞાન ભંડારો હતા. કારણ કે જૈન ધર્મની છઠ્ઠી આગમવાચના વલભીમાં ઈ.સ. 453માં જૈન આચાર્ય શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં થઈ હતી. તે સમયગાળા દરમિયાન, જૈન આગમ ગ્રંથોને પ્રથમ વખત લખવામાં આવ્યા હતા. આ ગ્રંથોની નકલો કરવાનું કાર્ય 13 વર્ષ સુધી વલભીમાં ચાલ્યું હતું.

જૈનો પર્યુષણ પર્વમાં જે કલ્પસૂત્રનું વાંચન કરે છે તેમાં પણ વલભીનો ઉલ્લેખ આવે છે. કલ્પસૂત્ર આગમો પૈકીનું એક સૂત્ર છે અને પૂર્વે એ માત્ર જૈન સાધુ સાધ્વીઓ પૂરતું મર્યાદિત હતું; પરંતુ વલભીના મૈત્રક વંશના શક્તિશાળી રાજા ધ્રુવસેન પહેલાનાં યુવરાજ સેનગજનું ઇ. સ. ૫૩૯માં વલભીની પ્રાંતિક રાજધાની વડનગર ખાતે આકસ્મિક અવસાન થતાં શોકમાં ડૂબેલા વિદ્વાન રાજા ધ્રુવસેનની વિનંતીથી ચોથા કલકાચાર્યશ્રી એ સૌપ્રથમ વખત કલ્પસૂત્રનું વડનગરમાં જાહેર વાંચન કર્યું હતું. આ ઘટના પછી પર્યુષણ પર્વમાં કલ્પસૂત્રનું વાંચન કરવાની પ્રથા શરુ થઇ હતી.
૪૫ વર્ષ પહેલાં ત્રીજી વખત વલભીપુરમાં પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્તખનન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. એ દરમિયાન જમીન માંથી માટીના વાસણો, રમકડાં, આભૂષણો, મૂર્તિઓ વગેરે ઘણું મળી આવ્યું હતું. તા. ૧૪ સપ્ટેમ્બર ૧૯૮૭ નાં રોજ આકાશવાણી રાજકોટ કેન્દ્ર પરથી ‘વલભીમાં પુરાતન અવશેષો’ આ વિષય ઉપર મારો અને મારા કાકા સ્વ. શ્રી પ્રવીણભાઈ શાહનો એક વાર્તાલાપ પણ પ્રસારિત થયો હતો.
વલભીપુરમાં ઉત્ખનન માટેનો પ્રોજેક્ટ હાલ તો અભરાઈ પર ચડી ગયો છે પણ વડનગર આ બાબતમાં નસીબદાર છે. તે વડાપ્રધાનનું વતન હોવાથી તંત્રએ ત્યાં ઉત્ખનન પ્રોજેક્ટ ઝડપથી ઘડી કાઢી તાજેતરમાં જ તેને ગ્રાન્ટ ફાળવી અને અવશેષો પણ મળ્યા છે. ત્યાં ૭ માળનું ભવ્ય મ્યુજીયમ બનશે, એરપોર્ટ બનશે, વિકાસ થશે પરંતુ વલભીપુર માટેની ઘણી રજૂઆતો તંત્રના બ્હેરા કાને અથડાઈ છે.
વલભી અને ધારા નગરી પર રિસર્ચ પેપર લખનાર વ્યાખ્યાતાએ લખ્યું કે…
વલભીપુર ઉપર ઘણાં વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયને લઈને પી.એચ.ડી. પણ કર્યું છે. તેમજ અનેક રિસર્ચ પેપર પણ તૈયાર થયા છે. અહીં તળાવની પાળ નજીક જ્યાં ઉત્ખનન પ્રોજેક્ટ અંતર્ગત કામ થયું હતું તે જગ્યા ‘માયા વાળો ખાડો’ તરીકે ઓળખાતી હતી. વલભી અને ધારા નગરીના ઇતિહાસ પર રિસર્ચ પેપર લખનાર Lecturer ડૉ. માના શાહે મને એક ઇ-મેઇલ પાઠવીને લખ્યું હતું કે,
“પ્રણામ. આપે મોકલાવેલુ બધુ જ મટિરિયલ વાંચ્યું. વાંચ્યા પછી ’માયા વાળા ખાડા’માંથી એક અવાજ સંભળાયો. વલભીના અવશેષો પોકારી રહ્યા હતા, “અમારો ભૌતિક દેહ તો ભલે કાળની ગર્તામાં દટાઇ ગયો, પણ અમારો સૂક્ષ્મ દેહ હજુ જીવંત છે.” નિલેશભાઇ, તમારી કલમથી વલભીના ગર્વીલા ઇતિહાસને વાચા આપો. તમે નહી આપો તો કોણ આપશે? ભવિષ્યમાં અમારા જેવા કોઇ સંશોધકો આવશે તો પણ વલભીને વતનની જેમ તો નહી જ વર્ણવી શકે. તમે ભલે એ ખંડેરોને જમીનમાંથી બહાર નહી લાવી શકો. પણ અજ્ઞાતતાના અંધકારમાંથી તો ચોક્કસ બહાર લાવી શકશો. Pen is mightier than sword. જેમ હ્યુ એન ત્સાંગે વલભીના સુવર્ણકાળનું વર્ણન કર્યું અને જેમ આચાર્ય મેરુતુંગે વલભીના ઉદ્ભવ અને વિનાશની પરીકલ્પનાઓ ગૂંથી; એમ તમે પણ વલભીપુરનો ઇતિહાસ શબ્દબદ્ધ કરો. આમ જો પુરાતત્વ વિભાગ જો ફરી સંશોધન કાર્ય આદરે તો લોથલ, ધોળાવીરાની જેમ વલભીપુર વિશ્વમાં ફરી વખત જાણીતું થઈ જાય.”
વલભીની ખ્યાતિ દેશ વિદેશમાં પ્રસિદ્ધ હતી. કથાસરિત્સાગર નામના સંસ્કૃત ભાષાના શિરોમણિ એવા એક ગ્રંથમાં ઉત્તરપ્રદેશના વસુદત્ત નામના બ્રાહ્મણની વાત આવે છે જેણે પોતાના 16 વર્ષના પુત્ર વિષ્ણુદત્તને નાલંદા અથવા બનારસને બદલે વલભીમાં અભ્યાસ કરવા મોકલવાનું નક્કી કર્યું હતું.
વલભી વિદ્યાપીઠમાં ગુણમતી અને સ્થિરમતી નામના બે આચાર્યો હતા. તે સમયે, વલભીના રાજા ધ્રુવસેન ભારતના બીજા ચક્રવર્તિ રાજા હર્ષવર્ધનના જમાઈ હતા. તેમના સમયમાં વલભીનો સૂરજ મધ્યાન્હે તપતો હતો. દરમિયાન, ઇ. સ. 641 માં, જ્યારે હ્યુએન ત્સાંગ ચીનથી ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમણે ગુજરાતની મુલાકાત દરમિયાન વલભીની મુલાકાત લીધી હતી. તેમની નોંધ પ્રમાણે વલભી દેશનો પરિઘ 400 લી એટલે કે 1300 માઈલ હતો અને રાજધાની પાંચ માઈલથી વધુ હતી. અહીં સેંકડો હિંદુ મંદિરો હતા. ૧૦૦ કરતાં વધુ કરોડપતિઓ આ નગરમાં વસતા હતા.
જ્યારે હ્યુએન ત્સંગે વલ્લભી યુનિવર્સિટીની મુલાકાત લીધી ત્યારે અહીં 6000 થી વધુ સાધુઓ અભ્યાસ કરતા હતા. તેમના રહેવા માટે 100 જેટલા આશ્રમોની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેણે અને અન્ય એક ચીની તીર્થયાત્રી ઇત્સિંગે વલ્લભી વિદ્યાપીઠની તુલના નાલંદા સાથે કરી હતી.
વલ્લભીપુર ખાતે ઉત્ખનન અને સંગ્રહાલયની માંગણી

મિત્રો, મેં મારા બાળપણમાં અહીં ઘરોના પાયા ખોદતી વખતે જૈન તીર્થંકરોની મૂર્તિઓ બહાર આવતી જોઈ છે. વધુમાં, મુંબઈમાં શ્રી છત્રપતિ શિવાજી મ્યુઝિયમ અને તેના સ્ટ્રોંગ રૂમમાં વલભીના સમયના અનેક પુરાવાઓ, અવશેષો અને તાંબાની પ્લેટો જોયા પછી, મેં 5મી સપ્ટેમ્બર, 2014ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને અહિયાં મ્યુઝિયમ સ્થાપવા વિનંતી કરી હતી. વલ્લભીપુર ખાતે સંગ્રહાલયની માંગણી કરી હતી. એ પછી મને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય તરફથી જવાબ મળ્યો કે મંત્રાલય પોતે મ્યુઝિયમની સ્થાપના કરતું નથી, તેમ છતાં તે મ્યુઝિયમ ગ્રાન્ટ સ્કીમનું સંચાલન કરે છે. તમારા સંદર્ભ માટે મ્યુઝિયમ ગ્રાન્ટ સ્કીમની એક નકલ આ સાથે જોડાયેલ છે. તે મંત્રાલયની વેબસાઇટ www.indiaculture.gov.in પર પણ ઉપલબ્ધ છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનું લાપરવાહ તંત્ર


બાદમાં, મેં તા. 9 ડિસેમ્બર 2015 ના રોજ ઈમેલ દ્વારા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, વડોદરા વર્તુળને 11 પ્રશ્નો પૂછ્યા હતા, જેમાંથી પાંચમો પ્રશ્ન એ હતો કે વલ્લભીપુર, જિલ્લા ભાવનગર વિસ્તારમાં કેટલી વખત ખોદકામ થયું? તે હજુ ચાલુ છે કે નહીં? જો નહીં તો તેને કેમ અટકાવવામાં આવ્યું? શું ભવિષ્યમાં પણ સમાન કાર્ય માટે કોઈ યોજના છે?
આ પ્રશ્નના જવાબમાં લખવામાં આવ્યું હતું કે, એમ.એસ.યુનિવર્સિટી, વડોદરાના પુરાતત્વ વિભાગ દ્વારા વલ્લભીપુર ખાતે વર્ષ 1978-79 દરમિયાન ખોદકામ કરવામાં આવ્યું હતું. સ્થળ પર વધુ ખોદકામ હાથ ધરવામાં આવ્યું ન હતું. ASI, વડોદરા સર્કલ, વડોદરા પાસે વલ્લભીપુર, જિલ્લામાં ખોદકામ કરવાની કોઈ યોજના નથી.
મારો પ્રશ્ન નંબર 6: ખોદકામ દરમિયાન કે પછી વલ્લભીપુરમાં કોઈ જમીન સંપાદિત કરવામાં આવી હતી? જો હા તો કયા સ્થળોએ? આ પ્રશ્નના જવાબમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ખોદકામ દરમિયાન કે પછી વલ્લભીપુરમાં કોઈ જમીન સંપાદિત કરવામાં આવી નથી.
મારા સાતમા પ્રશ્નના જવાબમાં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, વડોદરા વર્તુળ દ્વારા મોકલવામાં આવેલ જોડાણ જણાવે છે કે,
વલ્લભીપુર મૈત્રક સત્તાના ઉદય પહેલા અસ્તિત્વમાં હતું. પાણિનીના ગણપાઠમાં તેનો ઉલ્લેખ છે. પ્રાચીન સાહિત્યમાં તે શિક્ષણ તેમજ વેપાર અને વાણિજ્યના પ્રતિષ્ઠિત કેન્દ્ર તરીકે ઓળખાય છે. જૈન ધર્મનું પ્રતિષ્ઠિત કેન્દ્ર, જૈન પ્રામાણિક કૃતિઓ ઇ. સ. 300 આસપાસ આ સ્થાન પર લખવાનો નિર્ણાય લેવાયો હતો. તે બૌદ્ધ ધર્મ સાથે પણ ગાઢ રીતે સંકળાયેલું હતું. ચોથી સદીના અસંગ અને વસુબંધુના શિષ્યો આચાર્યો સ્થિરમતી અને ગુણમતી વગેરેએ વલ્લભી નજીકના વિહારમાં તેમનો ગ્રંથ પૂર્ણ કર્યો હતો.
જૂના સિક્કા, તાંબાની પ્લેટ, સીલ અને અન્ય લખાણો, આસપાસના વિસ્તારોમાંથી ખોદકામ કરીને મ્યુનિસિપલ લાઇબ્રેરી સાથે જોડાયેલા મ્યુઝિયમમાં સચવાયેલા છે, જે વળાની પ્રાચીનતાની સાક્ષી આપે છે. જેનું નામ 1946માં વલ્લભીપુર રાખવામાં આવ્યું હતું.
અત્રે હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે પુરાતત્વ વિભાગની સરકારી કચેરીમાં લખાયેલી માહિતી મુજબ વલભીપુરના પુસ્તકાલય સાથે જોડાયેલા સંગ્રહાલયમાં કોઈ જૂના સિક્કા, તાંબાની પ્લેટ અને અન્ય કોઈ પણ પ્રકારની ચીજવસ્તુઓ કે અવશેષો હાજર નથી. અરે, ત્યાં કોઈ મ્યુઝિયમ જ નથી.
આજે ભારતીય પુરાતત્વ વિભાગ જો અંગ્રેજોના જ હાથમાં હોત તો?


થોડા દિવસો પહેલા, પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ પાસે બનેલી યુનિવર્સિટીનું ઉદ્ઘાટન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. વડાપ્રધાનના હોમ ટાઉન વડનગરમાં પણ પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું અને ત્યાં વિશ્વ કક્ષાનું મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. લોથલનો પણ વિકાસ થયો. અમે ખૂબ જ ખુશ છીએ. આવું કામ કરવું જ જોઈએ. પણ સાથે સાથે એ પણ દુઃખની વાત છે કે આટલું બધું જાણવા અને સમજવા છતાં વલ્લભીપુરના પ્રાચીન વલભીના અવશેષો બહાર કાઢવાનો પ્રયાસ કેમ કોઈ કરતું નથી?
આખરે એવું કયું કારણ છે કે જેના કારણે ભારતીય પુરાતત્વ વિભાગ વલ્લભીપુરમાં કશું કરી રહ્યું નથી? જ્યારે અમે કારણ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે અમને જાણવા મળ્યું કે, ગાંધીનગરમાં પુરાતત્વ વિભાગની કચેરીમાં ઘણા વર્ષોથી ઓછા સ્ટાફની મોટી ફરિયાદ છે. અને હાલ હાજર તમામ સ્ટાફ વડનગરના પ્રોજેકટમાં વ્યસ્ત છે.


ભારતની કેન્દ્ર સરકારે પ્રાચીન યુનિવર્સિટીઓને પુનર્જીવિત કરવાનું શરૂ કર્યું છે. પરંતુ વલ્લભીપુરમાં ખુદ શ્રી ગંભીરસિંહજી હાઈસ્કૂલની ઈમારત ધરાશાયી થવાના આરે ઉભી છે.
આટલો બધો અન્યાય સહન કર્યા પછી મને એક વિચાર આવે છે કે ‘ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણની સ્થાપના ૧૮૬૧માં એલેક્ઝેંડર કનિંઘહામ દ્વારા કરવામાં આવી હતી, અને એ પરંપરામાં અત્યારે પણ ભારતીય પુરાતત્વ વિભાગ જો અંગ્રેજોના જ હાથમાં હોત તો વલભીના અવશેષો ક્યારના બહાર નીકળી આવ્યા હોત.’




