તમે ક્યારેય કોઈના મોઢે એવું સાંભળ્યું છે કે, ‘એ તો ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠો થયો.’? જો આનો અર્થ ન ખબર હોય તો જાણી લો. ફિનિક્સ (Phoenix) એ ગ્રીક અને ઇજિપ્તની પૌરાણિક કથાઓનું એક એવું રહસ્યમય કાલ્પનિક પક્ષી છે, જે સળગીને રાખ થઈ ગયા પછી પણ પોતાની જ રાખમાંથી નવો જન્મ લેવાની અદભુત ક્ષમતા ધરાવે છે. ગુજરાતના રાજકારણમાં જો કોઈ નેતાને આ ફિનિક્સ પક્ષીનું બિરુદ આપવું હોય, તો એ નામ છે—ચીમનભાઈ પટેલ. શૂન્ય થઈ ગયા પછી પણ સત્તાના શિખરે કેવી રીતે પાછા ફરી શકાય, એ ચીમનભાઈના જીવન પરથી શીખી શકાય.

નેપોલિયનની સફળતાનું રહસ્ય તેનું ઇતિહાસનું ઊંડું જ્ઞાન હતું. તેણે પોતાના અંતિમ દિવસોમાં પુત્રને સંદેશો આપ્યો હતો કે: “મારા પુત્રએ ઇતિહાસ વાંચવો જોઈએ, કારણ કે ખરું તત્વજ્ઞાન ઇતિહાસમાં જ સમાયેલું છે.” બસ, એટલા માટે જ દરેક યુવાને, વિદ્યાર્થીએ અને રાજકારણમાં રસ ધરાવતા લોકોએ ચીમનભાઈ પટેલના આ રસપ્રદ ઇતિહાસને જાણવો જ જોઈએ.

શાળાનો એ ઘંટ અને ‘નવનિર્માણ આંદોલન’

વાત ૧૯૭૩-૭૪ની છે. હું ત્યારે બીજા ધોરણમાં ભણતો હતો. એ સમયે ગુજરાતમાં ઐતિહાસિક ‘નવનિર્માણ આંદોલન’ ફાટી નીકળ્યું હતું. અમારી શાળામાં અવારનવાર હાઇસ્કૂલના મોટા વિદ્યાર્થીઓ આવીને હડતાળ પડાવતા.

સામાન્ય રીતે સાંજે શાળા પૂરી થાય ત્યારે જે ઘંટ વાગતો, એવો જ ઘંટ હજી તો થોડું ભણીએ ત્યાં જ વાગી જતો! પહેલા દિવસે તો મોટા છોકરાઓએ વર્ગમાં આવીને પરાણે હડતાળ પડાવી, પણ બીજા દિવસથી તો જેવો ઘંટ વાગે એટલે અમે સૌ ‘દફતર પાટી પેક’ કરીને ‘રજા પડી.. રજા પડી’ કરતા, હરખાતા-મલકાતા ઘરે ભાગતા. ત્યારે તો બહુ મજા પડતી, પણ મોટા થઈને ખબર પડી કે બાળકોને વહેલી રજા અપાવનારૂ એ આંદોલન ગુજરાતના ઇતિહાસના સૌથી ઉગ્ર અને હિંસક આંદોલનોમાંનું એક હતું. આ આંદોલને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલની ખુરશી છીનવી લીધી હતી!

વાત ૧૯૭૩-૭૪ની છે. હું ત્યારે બીજા ધોરણમાં ભણતો હતો. એ સમયે ગુજરાતમાં ઐતિહાસિક ‘નવનિર્માણ આંદોલન’ ફાટી નીકળ્યું હતું. અમારી શાળામાં અવારનવાર હાઇસ્કૂલના મોટા વિદ્યાર્થીઓ આવીને હડતાળ પડાવતા.

સામાન્ય રીતે સાંજે શાળા પૂરી થાય ત્યારે જે ઘંટ વાગતો, એવો જ ઘંટ હજી તો થોડું ભણીએ ત્યાં જ વાગી જતો! પહેલા દિવસે તો મોટા છોકરાઓએ વર્ગમાં આવીને પરાણે હડતાળ પડાવી, પણ બીજા દિવસથી તો જેવો ઘંટ વાગે એટલે અમે સૌ દફતર પાટી પેક કરીને ‘રજા પડી.. રજા પડી’ કરતા, હરખાતા-મલકાતા ઘરે ભાગતા. ત્યારે તો બહુ મજા પડતી, પણ મોટા થઈને ખબર પડી કે બાળકોને વહેલી રજા અપાવનારા એ આંદોલને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલની ખુરશી છીનવી લીધી હતી!

આ આંદોલન દરમિયાન 100 કરતાં પણ વધારે લોકોના મૃત્યુ થયા હતા. આંદોલનમાં ગંભીર રીતે ઘાયલ થનારા લોકોની સંખ્યા ૩૧૦ થી વધુ હતી અને આશરે ૮,૦૦૦ કરતાં વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રોફેસરથી મુખ્યમંત્રી સુધીની સફર

૩ જૂન, ૧૯૨૯ના રોજ વડોદરાના સંખેડા તાલુકાના ચિખલી ગામે જન્મેલા ચીમનભાઈ જીવાભાઈ પટેલ ભણવામાં ભારે તેજસ્વી હતા. તેમણે અર્થશાસ્ત્ર (Economics) વિષય સાથે એમ.એ. (M.A.) ની પદવી મેળવી હતી. રાજકારણમાં સક્રિય થતાં પહેલાં તેઓ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને ગુજરાત કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે ભણાવતા હતા. આ શૈક્ષણિક બેકગ્રાઉન્ડને કારણે તેઓ આર્થિક બાબતો અને આયોજનના પાકા જ્ઞાતા હતા.

૧૯૬૭માં તેઓ સંખેડા વિધાનસભા ક્ષેત્રમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને હિતેન્દ્ર દેસાઈના મંત્રીમંડળમાં જોડાયા. તેઓ ઘનશ્યામભાઈ ઓઝાના મંત્રીમંડળમાં પણ મંત્રીપદે રહેલા. ૧૭ જુલાઇ, ૧૯૭૩માં ઘનશ્યામભાઈ ઓઝાની સરકારને ગબડાવી અને તેઓ મુખ્યમંત્રી બન્યા.

તેઓ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, પણ બંને વખતની પરિસ્થિતિઓ તદ્દન અલગ હતી:

  • પ્રથમ કાર્યકાળ (૧૮ જુલાઈ, ૧૯૭૩ થી ફેબ્રુઆરી, ૧૯૭૪): ઇન્દિરા કોંગ્રેસ શાસન હેઠળ, જે નવનિર્માણ આંદોલનને કારણે ટૂંકા સમયમાં સમેટાઈ ગયો.
  • બીજો કાર્યકાળ (૪ માર્ચ, ૧૯૯૦ થી ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ – અવસાન સુધી): જનતા દળ અને ભાજપના ગઠબંધન સાથે (બાદમાં કોંગ્રેસમાં વિલય).

કેન્દ્ર સામે અડગ ઊભા રહી બન્યા ‘છોટે સરદાર’

ચીમનભાઈ પાસે ગુજરાતના વિકાસનું એક અદભુત વિઝન હતું. આજે આપણે જે નર્મદા યોજના (સરદાર સરોવર ડેમ)ના મીઠા પાણી પીએ છીએ, તેને ‘ગુજરાતની જીવાદોરી’ બનાવવામાં સૌથી મોટું યોગદાન ચીમનભાઈનું હતું.

નર્મદા યોજના સામે જ્યારે મેધા પાટકરનું ‘નર્મદા બચાવો આંદોલન’ ચાલતું હતું અને તત્કાલીન વડાપ્રધાન નરસિંહરાવની કેન્દ્ર સરકાર દબાણ કરતી હતી, ત્યારે ચીમનભાઈ ગુજરાતના હિત માટે કેન્દ્ર સામે અડગ થઈને ઊભા રહી ગયા. તેમણે સાફ કહી દીધું કે ગુજરાત ઝૂકશે નહીં. તેમની આ મક્કમતા અને પ્રખર નેતૃત્વને કારણે જ જનતાએ તેમને ‘છોટે સરદાર’ નું બિરુદ આપ્યું હતું.

સરદાર વલ્લભભાઈ પટેલે જે રીતે દેશના રજવાડાંઓને એક કર્યા હતા, બરાબર એ જ ખુમારી સાથે ચીમનભાઈએ નર્મદાના મુદ્દે આખા ગુજરાતને પક્ષભેદ ભૂલીને એક તાંતણે બાંધી દીધું હતું. તેમની પ્રખર ઈચ્છાશક્તિનું જ પરિણામ હતું કે વિશ્વ બેંકે (World Bank) જ્યારે પર્યાવરણના બહાના હેઠળ આ પ્રોજેક્ટમાંથી લોન પાછી ખેંચી લીધી, ત્યારે પણ ચીમનભાઈ સહેજ પણ ડગ્યા નહીં. તેમણે મક્કમતાથી જાહેર કર્યું કે ‘આપણે વિશ્વ બેંકની મદદ વિના પણ આપણા પોતાના દમ પર નર્મદા ડેમ પૂરો કરીશું.’ તેમની આ જ ખુદદારીને કારણે ગુજરાતના ઇતિહાસમાં તેમનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયું.

‘કિમલોપ’: રાજકારણનો એક અનોખો પ્રયોગ

૧૯૭૪માં સત્તા ગુમાવ્યા અને કોંગ્રેસમાંથી હાંકી કઢાયા પછી કોઈ પણ સામાન્ય નેતા હિંમત હારી જાય, પણ ચીમનભાઈ અલગ માટીના હતા. તેમણે હિંમત હાર્યા વગર પોતાની નવી પાર્ટી સ્થાપી—‘કિસાન મઝદૂર લોક પક્ષ’, જે ટૂંકમાં ‘કિમલોપ’ (KIMLOP) તરીકે ઓળખાયો.

એક અર્થશાસ્ત્રી તરીકે તેઓ ગ્રામીણ અર્થતંત્રને સમજતા હતા. તેમણે ગુજરાતના સમૃદ્ધ પાટીદાર ખેડૂતો અને ગ્રામીણ શ્રમિકો (મઝદૂરો) ને એક મંચ પર લાવીને કોંગ્રેસ હાઈકમાન્ડને બતાવી દીધું કે ગ્રાઉન્ડ લેવલની જનતા તેમની સાથે છે.

જૂન ૧૯૭૫ની વિધાનસભા ચૂંટણી ત્રિપાંખીયા જંગમાં ફેરવાઈ ગઈ. એકતરફ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ, બીજી તરફ મોરારજી દેસાઈનો ‘જનતા મોરચો’ અને ત્રીજી તરફ ચીમનભાઈની ‘કિમલોપ’. કિમલોપે ૧૨ બેઠકો જીતીને ચૂંટણીમાં ‘કિંગમેકર’ની ભૂમિકા ભજવી. ખુદ ચીમનભાઈ સંખેડાથી હારી ગયા, પણ તેમના ટેકાથી જ બાબુભાઈ જશભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની સૌપ્રથમ બિન-કોંગ્રેસી સરકાર રચાઈ. પાછળથી દેશમાં ઇમરજન્સી લાગુ થતાં ચીમનભાઈએ આ પક્ષ વિખેરી દીધો અને જનતા પાર્ટીમાં જોડાયા.

૧૫ વર્ષનો વનવાસ અને ‘KOKAM’ થીયરીની માસ્ટરસ્ટ્રોક

૧૯૮૮માં જ્યારે વી. પી. સિંહે કોંગ્રેસ સામે બગાવત કરી ત્યારે દેશમાં ‘જનતા દળ’ ની સ્થાપના થઈ. ચીમનભાઈ પટેલ ગુજરાતમાં જનતા દળના સર્વેસર્વા બન્યા. 

વલભીપુર ખાતે શ્રી વી.પી. સિંહના પ્રવાસ દરમિયાન લેવામાં આવેલી આ તસ્વીરમાં શ્રી ચીમનભાઈ પટેલ આગેવાનની દમદાર છટા સાથે મોખરે આગળ વધી રહ્યા છે, જ્યારે તેમની પાછળ શ્રી વી.પી. સિંહ નજરે પડે છે. આ તસ્વીર મેં લીધી હતી.
વલભીપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નારસિંહ ઘેલડાના નિવાસસ્થાને યોજાયેલી મુલાકાત દરમિયાન શ્રી ચીમનભાઈ પટેલ અને શ્રી જયરામભાઈ પટેલ. આ ઐતિહાસિક તસ્વીર મેં પોતાના કેમેરાથી લીધી હતી.

૧૯૭૫ થી ૧૯૯૦ વચ્ચેનો ૧૫ વર્ષનો સમયગાળો ચીમનભાઈ માટે રાજકીય વનવાસ જેવો હતો. એ દિવસોમાં મેં તેમને ઘણી વખત નાની-નાની બેઠકોમાં પણ હાજરી આપતા જોયા છે. એક વખત તો મારા ગામમાં માત્ર 50 જેટલા ગ્રામજનો વચ્ચે યોજાયેલી બેઠકમાં પણ તેઓ આવ્યા હતા.

આ જ તેમની સૌથી મોટી તાકાત હતી—જનતા સાથેનો સીધો સંપર્ક. તેઓ ગામેગામના કાર્યકર્તાને નામથી બોલાવતા.

૧૯૮૦ના દાયકામાં કોંગ્રેસે ‘KHAM’ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) સમીકરણથી પાટીદારોને સાઈડલાઈન કર્યા હતા. અર્થશાસ્ત્રના જ્ઞાતા ચીમનભાઈ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે આંકડાઓ સાથે સરકારને ઘેરતા હતા. કોંગ્રેસના ‘KHAM’ નો મુકાબલો કરવા તેમણે પોતાની નવી સોશિયલ એન્જિનિયરિંગ ફોર્મ્યુલા શોધી, જેને ‘KOKAM’ (કોકમ) કહેવાય છે:

  • Ko = કોળી (ગુજરાતની મોટી વસ્તી)
  • Ka = કણબી / પાટીદાર
  • M = મુસ્લિમ અને અન્ય પછાત વર્ગો

આ સમીકરણ દ્વારા તેમણે ગુજરાતના ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઓબીસી (OBC) જ્ઞાતિઓને એક પ્લેટફોર્મ પર લાવી દીધા. આ વ્યુહરચના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સુપરહિટ સાબિત થઈ.

ભાજપના સહયોગથી ફરીથી મુખ્યમંત્રી બન્યા

૧૫ વર્ષ સુધી સત્તાથી દૂર રહ્યા પછી અને ‘નવનિર્માણ આંદોલન’ જેવો ડાઘ માથે હોવા છતાં, ચીમનભાઈએ ૧૯૯૦ની વિધાનસભા ચૂંટણીમાં જનતા દળને ૭૦ બેઠકો અપાવી. ભાજપ (૬૭ બેઠકો) સાથે ગઠબંધન કરીને તેઓ ૪ માર્ચ, ૧૯૯૦ના રોજ ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. 

લગભગ એક દાયકાના રાજકીય સંઘર્ષ બાદ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સૌપ્રથમ વખત જનતા દળ સાથે ગઠબંધન કરીને સત્તામાં ભાગીદાર બની હતી. આ સરકારમાં ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા, જ્યારે ભાજપના અગ્રણી નેતા કેશુભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી.

બે નેતાઓ, બે અનુભવો

માર્ચ 1990માં ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પત્રકારો સાથે યોજાયેલા પ્રથમ જાહેર કાર્યક્રમમાં દલસુખભાઈ પટેલે મારા ખબરઅંતર પૂછીને ચીમનભાઈ પટેલ સાથે પરિચય કરાવ્યો હતો. આ ક્ષણ આજે પણ મારી સ્મૃતિમાં તાજી છે.

માર્ચ ૧૯૯૦માં ચીમનભાઈ પટેલના નેતૃત્વમાં જનતા દળ અને ભાજપની ગઠબંધન સરકાર રચાઈ, જે ગુજરાતના ઈતિહાસમાં ભાજપ માટે સત્તાના ગલિયારામાં પ્રવેશવાનો પ્રથમ મોકો હતો. આ ઐતિહાસિક મંત્રીમંડળમાં ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રીનું પદ સોંપાયું. સરકારમાં સંતુલન જાળવવા માટે બંને પક્ષના વરિષ્ઠ નેતાઓ સહિત અંદાજે ૨૨ મંત્રીઓનો સમાવેશ કરાયો હતો, જેમાં સુરેશચંદ્ર મહેતા, વજુભાઈ વાળા, અશોક ભટ્ટ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જેવા ખાસ મંત્રીઓને મહત્વના ખાતા સોંપીને ગુજરાતના વિકાસનો નવો અધ્યાય શરૂ કરાયો હતો.

કેશુભાઈ પટેલ: નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ) અને નર્મદા તેમજ સિંચાઈ વિભાગ જેવા મહત્વના ખાતાઓ.

સુરેશચંદ્ર મહેતા: ઉદ્યોગ અને કાયદા મંત્રી (જેઓ પાછળથી ગુજરાતના મુખ્યમંત્રી પણ બન્યા).

વજુભાઈ વાળા: નાણાં અને મહેસૂલ મંત્રી.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા: કૃષિ અને નાગરિક પુરવઠા મંત્રી.

અશોક ભટ્ટ: નાગરિક પુરવઠો અને આરોગ્ય વિભાગ.

તસવીરમાં ડાબેથી ક્રમશઃ મહેસૂલ મંત્રી શ્રી દલસુખભાઈ ગોધાણી, મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલ, શ્રી પ્રવિણસિંહ જાડેજા, શ્રી દિનશા પટેલ અને શ્રી નરહરિ અમીન નજરે પડે છે. પાછળ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જોવા મળે છે.

ભાજપ સાથે સરકારની રચના બાદ અમદાવાદ ખાતે પત્રકારો દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ચીમનભાઈ પટેલ સૌપ્રથમ વખત મંત્રીમંડળ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હું પણ હાજર હતો. કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં પત્રકારોની ભીડ વચ્ચે બોટાદ-વલભીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા મહેસૂલમંત્રી શ્રી દલસુખભાઈ પટેલની નજર મારા પર પડી. તેમણે તરત જ ઈશારો કરીને મને પોતાની પાસે બોલાવ્યો, મારા ખબરઅંતર પૂછ્યાં અને ચીમનભાઈ પટેલ સમક્ષ મારી ઓળખાણ પણ કરાવી. આ પ્રસંગ મારા માટે ખાસ હતો, કારણ કે ચૂંટણી દરમિયાન કેટલાક કારણોસર મેં તેમનો વિરોધ કર્યો હતો. છતાં તેમણે જે ઉદારતા અને આત્મીયતા દર્શાવી તે આજે પણ યાદ છે.

એ જ કાર્યક્રમમાં શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર હતા. વલભીપુરમાં તેમના અનેક પ્રવાસો, જાહેરસભાઓ અને સંગઠનાત્મક કાર્યક્રમોમાં આયોજન તથા વ્યવસ્થાની જવાબદારીઓ નિભાવવા છતાં તેમણે મારી તરફ કોઈ વિશેષ ધ્યાન આપ્યું નહીં. કદાચ તે સમયે પરિસ્થિતિ એવી હશે, પરંતુ બંને નેતાઓના વર્તનમાં રહેલો આ તફાવત મારા મનમાં આજે પણ સ્પષ્ટ રીતે અંકિત છે.

જૈનો જરૂર વાંચો: જ્યારે જીવદયા માટે આખો દેશ ઝૂક્યો!

ગુજરાતના રાજકીય ઇતિહાસમાં વર્ષ ૧૯૯૩નો ઓક્ટોબર મહિનો એક ક્રાંતિકારી અને અભૂતપૂર્વ વળાંક લઈને આવ્યો હતો. તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની સરકાર દ્વારા ‘પર્યુષણ પર્વ’ દરમિયાન પશુવધ અને માંસ વેચાણ પર જે પ્રતિબંધ મુકાયો, તે માત્ર એક સરકારી આદેશ નહોતો. તેની પાછળ જૈન સાધુ-સંતોનું પ્રચંડ તપોબળ, લોક આંદોલનો, અખબારોની બુલંદ ઝુંબેશ અને એક બલિદાનની કરુણ ગાથા છુપાયેલી હતી.

આજે જ્યારે નવી પેઢી ઇતિહાસના પાના ઉથલાવે છે, ત્યારે સમજાય છે કે આ ઐતિહાસિક કાયદો આપોઆપ નહોતો બન્યો, પણ તેને મેળવવા માટે ગુજરાતે એક મોટી સામાજિક મથામણ જોઈ હતી.

આંદોલનનો પાયો: કતલખાનાઓનો વિરોધ અને સંતોના આકરા ઉપવાસ

૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં ગુજરાતમાં અહિંસા અને જીવદયાના મુદ્દે જૈન સમાજ ભારે આક્રોશમાં હતો. તે સમયે હજીરા (સુરત) અને દહેજ નજીક આધુનિક યાંત્રિક કતલખાનાઓ (Slaughterhouses) સ્થાપવાની મંજૂરીઓ આપવાની વાતો હવામાં વહેતી થઈ હતી, જેને લઈને જૈન સમાજ અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

આ મામલે જૈન ધર્મના પ્રખર ગચ્છાધિપતિઓ અને મુનિ ભગવંતોએ કડક વલણ અપનાવ્યું. પર્યુષણ દરમિયાન જીવહિંસા અટકાવવા માટે મુંબઈ અને અમદાવાદમાં જૈન મુનિઓએ આમરણ ઉપવાસ અને મૌન વ્રત જેવા આકરાં પગલાં શરૂ કર્યાં. સાધુઓના આ તપોબળને કારણે હજારો શ્રાવકો અને સામાન્ય જનતા રસ્તા પર આવી ગઈ હતી.

ગૌરક્ષક ગીતાબેન રાંભિયાનું બલિદાન: આંદોલનમાં ઘી હોમાયું

જ્યારે આ સામાજિક આક્રોશ ચરમસીમા પર હતો, ત્યારે જ એક એવી હૃદયદ્રાવક ઘટના બની જેણે આખા ગુજરાતને હચમચાવી દીધું. ૨૭ ઑગસ્ટ, ૧૯૯૩ના રોજ ગૌરક્ષક ગીતાબેન રાંભિયાએ અમદાવાદમાં કતલખાને લઈ જવાતા નિર્દોષ વાછરડાંને બચાવ્યાં હતાં.

ત્યારબાદ, તે જ દિવસે જ્યારે તેઓ આંબાવાડી વિસ્તારમાંથી પરત ફરી રહ્યાં હતાં, ત્યારે કેટલાક ક્રૂર હુમલાખોરોએ તેમના પર છરી વડે ઘાતકી હુમલો કરી તેમની હત્યા કરી નાખી. ગીતાબેનના આ બલિદાને જીવદયાની લડતમાં સળગતા અગ્નિમાં ઘી હોમવાનું કામ કર્યું અને સમગ્ર જૈન સમાજ આરપારની લડાઈના મૂડમાં આવી ગયો.

મીડિયાની ઝુંબેશ અને જનતાનો પ્રચંડ જનમત

તે જમાનામાં સોશિયલ મીડિયા નહોતું, પરંતુ પ્રિન્ટ મીડિયા (અખબારો) નો ભારે પ્રભાવ હતો. ૧૯૯૩ના ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘સંદેશ’ જેવા અગ્રણી અખબારોમાં જૈન સંતોની પદયાત્રાઓ, જીવદયા રેલીઓ અને ચાતુર્માસ પ્રવચનોના સમાચારો જોરશોરથી ગાજતા હતા.

અખબારોના તંત્રીલેખો (Editorials) માં સરકારને તીખા સવાલો પૂછવામાં આવતા કે: “ગાંધી અને મહાવીરના ગુજરાતમાં પર્યુષણ જેવા પવિત્ર પર્વમાં કતલખાના ચાલુ કેમ રહી શકે?” અખબારોમાં છપાતી કતલખાનાઓની કરુણ તસવીરો જોઈને માત્ર જૈનો જ નહીં, પરંતુ વૈષ્ણવ, સ્વામિનારાયણ અને અન્ય સનાતની હિન્દુ સમાજે પણ આ માગણીને સત્તાવાર ટેકો જાહેર કરી દીધો.

ચીમનભાઈ પટેલ પર રાજકીય દબાણ અને ‘વટહુકમ’ની મજબૂરી

મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ તે સમયે ભારે રાજકીય ખેંચતાણ વચ્ચે સરકાર ચલાવી રહ્યા હતા. તેમણે ૧૯૯૦માં ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ કોંગ્રેસના ટેકાથી સરકાર બચાવી હતી.

  • સરકારની અંદરથી જ ટેકો: ચીમનભાઈની સરકારમાં મંત્રી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ પોતે પ્રખર ગાંધીવાદી અને જીવદયાના હિમાયતી હતા. તેથી સરકારની અંદરથી જ સંતોની માગણીને મોટું નૈતિક સમર્થન હતું.
  • ચૂંટણી સમીકરણો: ગુજરાતમાં જૈન અને વણિક સમુદાય આર્થિક અને સામાજિક રીતે અત્યંત પ્રભાવશાળી હતો. જો સરકાર આ મુદ્દે ન ઝૂકે, તો શહેરી વિસ્તારોમાં મોટું નુકસાન થાય તેમ હતું, અને વિપક્ષ (ભાજપ) આ મુદ્દાને રાજકીય રીતે અંકે ન કરી લે તેની પણ ચીમનભાઈને ચિંતા હતી.

જ્યારે ૧૯૯૩માં પર્યુષણ પર્વ બિલકુલ નજીક આવ્યું, ત્યારે ગુપ્તચર વિભાગ (Intelligence) ના અહેવાલો હતા કે જો તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો મોટું આંદોલન ફાટી નીકળશે. બધી પરિસ્થિતિને ભાળી ગયેલા કુશળ વ્યુહરચનાકાર ચીમનભાઈ પટેલે વિધાનસભા સત્રની રાહ જોયા વગર જ, વહીવટી તંત્રને કામે લગાડીને તાત્કાલિક વટહુકમ (Ordinance) બહાર પાડી દીધો અને પર્યુષણ દરમિયાન કતલખાના બંધ રાખવાનો આદેશ આપ્યો. પાછળથી આ વટહુકમે કાયદાનું સ્વરૂપ લીધું.

કાયદાની મુખ્ય જોગવાઈઓ: એક કડક અમલીકરણ

જૈન સાધુ-સંતોના તપોબળ અને પ્રચંડ જનઆંદોલન સામે નમીને ચીમનભાઈ પટેલ સરકારે જે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી અને જે નિયમો બનાવ્યા, તેનો તારીખવાર અને વિગતવાર સિલસિલો નીચે મુજબ હતો:

  • તાબડતોબ વટહુકમ (Ordinance): પર્યુષણ પર્વ ૧૯૯૩ બિલકુલ નજીક હોવાથી, વિધાનસભાના સત્રની રાહ જોયા વિના જ સરકારે તાત્કાલિક વટહુકમ બહાર પાડીને કતલખાના બંધ કરવાનો વહીવટી આદેશ આપી દીધો.
  • વિધાનસભામાં ઐતિહાસિક બિલ: ત્યારબાદ, આ વટહુકમને કાયમી કાયદો બનાવવા માટે ગુજરાત વિધાનસભામાં એક વિશેષ વિધેયક (Bill) રજૂ કરવામાં આવ્યું. આ બિલમાં માત્ર ગૌવધ જ નહીં, પરંતુ જૈન ધર્મના પવિત્ર ‘પર્યુષણ’ના દિવસો દરમિયાન દરેક પ્રકારના પ્રાણીઓના વધ (કતલ) અને માંસના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જોગવાઈ હતી.
  • રાજકીય સર્વસંમતિ: તે સમયે ગુજરાતની રાજકીય પરિસ્થિતિ ભારે ગરમ હતી, તેમ છતાં વિપક્ષ (ખાસ કરીને ભાજપ) પણ જીવદયા અને હિન્દુત્વના મુદ્દે સક્રિય હોવાથી, ગૃહમાં કોઈ પણ મોટા વિરોધ વિના આ બિલને વ્યાપક અને સર્વસંમતિથી સમર્થન મળ્યું.
  • સત્તાવાર અમલીકરણ (૩ ઓક્ટોબર, ૧૯૯૩): તમામ કાયદાકીય પ્રક્રિયાઓ અને રાજ્યપાલની મહોર વાગ્યા બાદ, ૩ ઓક્ટોબર, ૧૯૯૩ના રોજથી આ ઐતિહાસિક કાયદો સત્તાવાર ગેઝેટમાં પ્રસિદ્ધ થઈને સમગ્ર ગુજરાતમાં કાયમી ધોરણે અમલી બની ગયો.

આ કાયદા અંતર્ગત કયા કડક નિયમો બન્યા? (જે સામાન્ય નાગરિકો માટે જાણવા જરૂરી છે):

૧. ૧૦ દિવસનો સંપૂર્ણ પ્રતિબંધ: પર્યુષણ મહાપર્વના નિર્ધારિત ૧0 દિવસો દરમિયાન ગુજરાતના તમામ નાના-મોટા નગરો, મહાનગરો (Corporations) અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા તમામ સત્તાવાર અને સરકારી કતલખાનાઓ (Slaughterhouses) સંપૂર્ણપણે બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા.

૨. માંસ અને ચિકનના વેચાણ પર રોક: આ કાયદા મુજબ માત્ર પશુવધ જ નહીં, પરંતુ જાહેરમાં, લારીઓ પર કે દુકાનોમાં કોઈ પણ પ્રકારનું માંસ, મટન કે ચિકન વેચવા પર પણ આ દિવસો પૂરતો કાયદાકીય પ્રતિબંધ લાદવામાં આવ્યો.

૩. સ્થાનિક તંત્રને કડક સત્તા (શિક્ષાત્મક જોગવાઈઓ): જો કોઈ આ નિયમનો ભંગ કરે, તો સ્થાનિક નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને કડક પગલાં લેવાની સત્તા અપાઈ. જેમાં ભારે દંડ વસૂલવાથી લઈને તે દુકાનદારનું લાયસન્સ કાયમ માટે રદ કરવા સુધીની જોગવાઈ સામેલ હતી.

૪. કાયદાને વધુ મજબૂત બનાવ્યો: એટલું જ નહીં, ૧૯૯૩-૯૪ દરમિયાન ચીમનભાઈ પટેલ સરકારે વર્ષો જૂના Bombay Animal Preservation Act, 1954 ના મૂળ કાયદામાં સુધારા કરીને તેને વધુ કડક અને ચુસ્ત બનાવવાની દિશામાં પણ મહત્વપૂર્ણ પગલાં લીધાં.

દેશભરમાં સર્જાયેલો રેકોર્ડ અને ન્યાયિક મહોર

આ કાયદો પસાર કરીને ચીમનભાઈ પટેલે રાષ્ટ્રીય સ્તરે એક નવો ઇતિહાસ રચ્યો. તેઓ સમગ્ર ભારતમાં એવા સૌપ્રથમ મુખ્યમંત્રી બન્યા જેમણે કોઈ ચોક્કસ ધાર્મિક પર્વ અને જીવદયાના આદર કાજે રાજ્ય સ્તરે પશુવધ પર સત્તાવાર પ્રતિબંધ મૂક્યો હોય.

પાછળથી માંસના વેપારીઓ દ્વારા આ કાયદાને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતે (સુપ્રીમ કોર્ટે) પણ ‘પર્યુષણ દરમિયાન અહિંસાના સન્માનમાં કતલખાના બંધ રાખવાના’ ગુજરાત સરકારના નિર્ણયને વાજબી ઠેરવીને તેના પર આખરી મહોર મારી દીધી. આ કારણે જૈન સમાજ, જીવદયા સંસ્થાઓ અને ગૌરક્ષા સંસ્થાઓમાં ચીમનભાઈનું સ્થાન કાયમ માટે અમર થઈ ગયું.

વિશેષ નોંધ: ગુજરાતના સાંસ્કૃતિક અને ધાર્મિક ઈતિહાસમાં અહિંસાના આ મહત્વપૂર્ણ પ્રવાહને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે તમે આ વિડીયો જોઈ શકો છો: પાલિતાણા: માંસ પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ शहर. આ વિડીયો ગુજરાતના ભાવનગરમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ જૈન તીર્થ પાલિતાણામાં સંપૂર્ણ માંસ પ્રતિબંધની ઐતિહાસિક સફર દર્શાવે છે, જેની વૈચારિક શરૂઆત અને મજબૂત પાયો ચીમનભાઈ પટેલના એ ઐતિહાસિક નિર્ણયથી જ નખાયો હતો.

ઇતિહાસનું પુનરાવર્તન: ૪૦0 વર્ષ જૂનો મુઘલ દસ્તાવેજ અને ‘શાહી ફરમાન’

પર્યુષણ પર્વ દરમિયાન પશુવધ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને ભલે આજના જમાનામાં રાજકીય ચશ્માથી જોવામાં આવતો હોય, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે આ પરંપરા સદીઓ જૂની છે. પત્રકાર અવિનાશ નાયરના એક વિશેષ સંશોધનાત્મક અહેવાલ મુજબ, અમદાવાદના વિશ્વપ્રસિદ્ધ ‘લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ’ (L.D. Museum) માં આજે પણ ૪૦૦ વર્ષ જૂનો એક ઐતિહાસિક મુઘલ દસ્તાવેજ સુરક્ષિત રાખવામાં આવ્યો છે, જે આ વાતની ગવાહી પૂરે છે.

અંદાજે ૭ ફૂટ લાંબા આ દુર્લભ સચિત્ર સ્ક્રૉલ (લંબાકાર કાગળ પર બનેલી પેઇન્ટિંગ) માં અંકિત વિગતો અનુસાર:

  • સમ્રાટ જહાંગીરનું શાહી ફરમાન (ઇ.સ. ૧૬૧૦): મુઘલ સમ્રાટ જહાંગીરે આજથી ૪૦૦ વર્ષ પહેલાં જૈન સમુદાયના મહાપર્વ ‘પર્યુષણ’ની પવિત્રતા અને અહિંસાના મૂલ્યોને માન આપીને પોતાના આખા સામ્રાજ્યમાં એ દિવસો પૂરતો પશુવધ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો ‘શાહી ફરમાન’ જાહેર કર્યો હતો.
  • ઐતિહાસિક પેઇન્ટિંગ અને મુલાકાત: આ અદભુત દસ્તાવેજને ઇ.સ. ૧૬૧૦માં મુઘલ દરબારના વિખ્યાત કલાકાર ઉસ્તાદ સાલિવાહન દ્વારા પેઇન્ટ કરવામાં આવ્યો હતો. ચિત્રના ઉપરના ભાગમાં સમ્રાટ જહાંગીર ઝરૂખામાં બેઠેલા દેખાય છે. તેમની સામે આગ્રાના બે જૈન સાધુઓ—વિવેકહર્ષ અને ઉદયહર્ષ—હાથમાં અરજી લઈને ઊભા છે. સમ્રાટના ત્રીજા પુત્ર રાજકુમાર ખુર્રમ (જે પાછળથી શાહજહાં તરીકે ઓળખાયા) પણ ત્યાં હાજર દેખાય છે. રાજા રામદાસ આ જૈન સાધુઓનો પરિચય સમ્રાટ સાથે કરાવી રહ્યા છે.
  • ગુરુને ફરમાનની સોંપણી: આ ચિત્રના બીજા ભાગમાં મુઘલ દરબારમાંથી મુક્ત થયેલા આ શાહી ફરમાનને ઢંઢેરો પીટીને બજારમાં જાહેર કરાતો બતાવાયો છે. ત્યારબાદ, આચાર્ય વિજયસેન સૂરીશ્વરજી મહારાજના શિષ્યો આ ઐતિહાસિક ફરમાન પોતાના ગુરુને સુપ્રત કરતા નજરે પડે છે. આ દસ્તાવેજમાં ગુજરાતના પાટણમાં બિરાજતા આચાર્ય વિજયસેન સૂરીજીને આગ્રા આવીને પર્યુષણ ગાળવાનું શાહી આમંત્રણ પણ સામેલ હતું.
  • મારવાડી ભાષામાં લખાણ: આ આખી પેઇન્ટિંગની નીચેના ભાગમાં તત્કાલીન મારવાડી ભાષામાં આખી ઘટનાનું સચોટ લખાણ જોવા મળે છે.

પત્રકારની કલમે (નિષ્કર્ષ):

મ્યુઝિયમના પૂર્વ ડાયરેક્ટર પ્રોફેસર રતન પરિમૂના જણાવ્યા મુજબ, મુઘલ કાળનો આ અત્યંત દુર્લભ અને કીમતી દસ્તાવેજ દર્શાવે છે કે સમન્વય, જીવદયા અને ધાર્મિક લાગણીઓનું સન્માન કરવાની ભારતીય પરંપરા કેટલી ઊંડી છે.

જે નિર્ણય ૧૬૧૦માં જહાંગીરે લીધો હતો, બરાબર તેના પોણા ચારસો વર્ષ બાદ, ૧૯૯૩માં ગુજરાતના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે તેને આધુનિક કાયદાનું સ્વરૂપ આપીને લોકશાહી ઢબે પુનરાવર્તિત કર્યો. આ જ તો છે ગુજરાત અને ભારતની અહિંસા પ્રધાન સંસ્કૃતિની અસલી ઓળખ!

“ધ ગ્રેટ ક્રાફ્ટસમેન” ની વિદાય

૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ, મુખ્યમંત્રી પદ પર ચાલુ હતા તે દરમિયાન જ હૃદયરોગના હુમલાને કારણે ચીમનભાઈ પટેલનું અવસાન થયું.

આ સમાચાર મને મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ‘મિડ-ડે’ અખબારમાં વાંચવા મળ્યા.

તમને કદાચ જાણીને નવાઈ લાગશે પણ નરહરિભાઈ અમીનના જીવનનો આ સૌથી વધુ હૃદયસ્પર્શી અને વિરોધાભાસી પ્રસંગ છે. રાજકારણના ઈતિહાસમાં આવી ઘટનાઓ જવલ્લે જ બને છે.

“૧૯૭૪ના આંદોલન દરમિયાન જે વિદ્યાર્થી નેતાએ (નરહરિ અમીને) રસ્તાઓ પર ચીમનભાઈ પટેલના પૂતળાં ફૂંક્યા હતા અને તેમની અનેક નકલી ઠાઠડીઓ બાળી હતી… એ જ નેતાના સાચા અવસાન વખતે, ૧૯૯૪માં, નરહરિ અમીનને ખુદ પોતાના ખભા પર ચીમનભાઈની અર્થીને કાંધ આપવી પડી હતી.”

અંતિમ ક્ષણોનું માનસિક દબાણ:

અમીન એક ઇનરવ્યૂમાં એ વાતનો પણ ઉલ્લેખ કરે છે કે ચીમનભાઈના અવસાન પાછળ રાજકીય તણાવ જવાબદાર હતો. ૧૯૯૪ની રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના માધવસિંહ સોલંકીને ભાજપ સામે કોઈ પણ ભોગે જીતાડવાનું કેન્દ્રીય દબાણ ચીમનભાઈ પર હતું. આ પ્રચંડ માનસિક તણાવ (Mental Stress) તેઓ જીરવી ન શક્યા અને અંતે હાર્ટ એટેકને કારણે ‘છોટે સરદાર’ સદાય માટે પોઢી ગયા.

નવનિર્માણ આંદોલનની અજાણી વાતો જાણવા માટે: આ આખા રાજકીય ઘટનાક્રમ અને પડદા પાછળના રહસ્યોને વધુ વિગતવાર સમજવા માટે, નરહરિ અમીનનો શબ્દશઃ ઇન્ટરવ્યૂ અહીં આપેલી લિન્ક પર ઉપલબ્ધ છે: 🔗 વાંચો: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીનનો ખાસ ઇન્ટરવ્યૂ

સમયનું વહેણ અને રાજકારણની વાસ્તવિકતા

Narmada Ghat ચીમનભાઈ પટેલનું સ્મારક (સમાધિ સ્થળ)
૯૮મી જન્મજયંતીએ ગાંધીનગર સ્થિત તેમના સમાધિ સ્થળ “નર્મદાઘાટ” પર પ્રાર્થનાસભા

ગઈકાલે તેમની ૯૮મી જન્મજયંતીએ સવારે ૦૮:૩૦ થી ૦૯:૩૦ દરમિયાન ગાંધીનગર સ્થિત તેમના સમાધિ સ્થળ “નર્મદાઘાટ” પર આયોજિત પ્રાર્થનાસભામાં હું ગયો હતો. ત્યાં હાજરી આપતી વખતે જ ચીમનભાઈના જીવનની આ આખી સફર મારી આંખ સામે તરી આવી. એક જમાનામાં બે-બે વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા અને ‘સાવજ’ જેવી છાપ ધરાવતા ચીમનભાઈની આ પ્રાર્થનાસભામાં તેમના પુત્ર સિદ્ધાર્થભાઈ પટેલ, તેમનો પરિવાર, કેટલાક વફાદાર કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

પરંતુ, સમયનું ચક્ર જુઓ! રાજકારણના આટલા મોટા ગજાના નેતાની પ્રાર્થનાસભામાં વર્તમાન રાજકીય ક્ષેત્રના જાણીતા ચહેરાઓ નહિવત હતા. જૂના સાથીઓમાં માત્ર એક બે જ મુખ્ય ચહેરા જોવા મળ્યા તેમાં એક હતા નરહરિ અમીન કે જેઓ એક સમયે ચીમનભાઈના મંત્રીમંડળમાં ગૃહમંત્રી હતા અને હાલ ભાજપના રાજ્યસભાના સાંસદ છે.

એ સિવાય બિમલ શાહ જેઓ નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભાજપના મહામંત્રી હતા એ વખતે યુવા મોરચાના પ્રમુખ હતા અને કેશુભાઈ પટેલના મંત્રીમંડળમાં પરિવહન મંત્રી રહી ચૂક્યા છે (હાલ તેઓ કોંગ્રેસમાં છે).

આ સિવાય ત્યાં કોઈ મોટો જાણીતો ચહેરો પ્રત્યક્ષ રીતે જોવા ન મળ્યો.

જોકે, સોશિયલ મીડિયાના જમાનામાં ડિજિટલ હાજરી જરૂર વર્તાઈ હતી. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી અને જગદીશ ઠાકોર તેમજ ભાજપના પ્રદેશ અગ્રણી ગોરધનભાઈ ઝડફીયા સહિત કોંગ્રેસ પાર્ટી અને કેટલાક અગ્રણી નેતાઓની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ‘છોટે સરદાર’ને જન્મજયંતી નિમિત્તે વંદન કરવામાં આવ્યા હતા. રાજકારણમાં સત્તા અને સમય બદલાય તેમ ચહેરાઓ પણ બદલાતા રહે છે, પરંતુ ચીમનભાઈ પટેલે ગુજરાતના વિકાસના નકશા પર જે નિર્ણાયક રેખાઓ દોરી છે, તેને ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં.

Nilesh Shah
Nilesh Shah

I enjoy social work, writing, photography, and music. I’m deeply interested in history, Jainism, travel, and entrepreneurship — subjects that continue to inspire my work and life.

Articles: 9