Valabhipur BJP

પિતૃપારંપારિક સેવા અને સંસ્કારનો વારસો

ગુજરાત ભાજપના તત્કાલીન પ્રદેશ પ્રમુખ શ્રી કાશીરામ રાણા ગુજરાતદુષ્કાળના સમયમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી કાશીરામ રાણાજી ‘ન્યાય યાત્રા’ હેઠળ વલભીપુર પહોંચ્યા હતા. તે પ્રસંગે આયોજિત સભામાં, (ડાબે) મારા પિતા અને કાકા તેમજ મારા વ્યક્તિગત સબંધોના કારણે મેં પ્રખર કોંગ્રેસી આગેવાનોને પણ શ્રી રાણા સાથે મંચ પર બેસાડ્યા — જે તે સમયના રાજકારણમાં અદભૂત દૃશ્ય હતું.

મારા પિતા સ્વ. શ્રી મહેન્દ્રભાઈ કે. શાહ ભાવનગર જિલ્લાના જાણીતા સામાજિક કાર્યકર હતા. સમાજસેવાને તેમણે જીવનનું ધ્યેય બનાવી લીધું હતું — અને એ સેવા ભાવના જ મને વારસામાં મળી છે.

મારા પિતા 10 વર્ષ સુધી વલભીપુર પાંજરાપોળના પ્રમુખ રહ્યા હતા અને જૈન સંઘમાં ટ્રસ્ટી. જ્યારે મારા કાકા વલભીપુર જૈન સંઘના પ્રમુખ હતા. મારા પપ્પા વર્ષો સુધી આવડમાતા અન્નક્ષેત્રના પણ ટ્રસ્ટી હતા. તેમણે કતલખાને જતાં પશુઓને બચાવવાનું સતત કાર્ય કર્યું. તેમજ પાલિતાણા નજીક શ્રી શેત્રુંજી નદીમાં માછીમારી પર પ્રતિબંધ લાદવા માટે મારા પપ્પાએ જાનના જોખમે લડત લડી હતી. આ સંઘર્ષ માત્ર નદી માટે નહોતો, પણ જીવદયા અને અહિંસા માટેની તેમની અડગ પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતિક હતો. તેમની આ સેવાઓ આજે પણ યાદગાર છે.

ગામમાં સૌપ્રથમ જ્યારે રેડિયો આવ્યો, ત્યારે તેનું જાહેર પ્રસારણ બગીચામાં કરાવવાની જવાબદારી પણ મારા પપ્પાને સોંપવામાં આવી હતી. ટેક્નોલોજી પ્રત્યે તેમનો શોખ એ સમય કરતાં ઘણો આગળનો હતો. કાગળના રોલવાળા કેમેરાના યુગમાં પણ વલભીપુરમાં માત્ર બે લોકો પાસે કેમેરા હતા — એક વળા (વલભીપુર) ઠાકોરસાહેબ શ્રી ગંભીરસિંહજી બાપુ પાસે અને બીજો મારા પપ્પા પાસે.

ગામમાં કહેવાતું હતું કે —

“જો વલભીપુરમાં કોઈ મોટો માણસ આવે , વિદેશી આવે કે કોઈ વતની વિદેશથી પરત ફરે, તો તે સૌપ્રથમ મહેન્દ્રભાઈની દુકાને જ જાય, લાકડાના ખોખા પર બેસીને વાતો કરવા.”

પિતાજી અનેક ક્ષેત્રોમાં નિષ્ણાત હતા — ફોટો ફ્રેમિંગ, તાળાની ચાવી બનાવવી, પીટ્રોમૅક્સ, ટોર્ચ-બેટરી રિપેરિંગ, ફોટોગ્રાફી અને જમીન-મકાનની દલાલી — એમ દરેક વ્યવસાયમાં તેમનું કુશળ હસ્તકૌશલ્ય ઝળકતું હતું.

પરંતુ એ બધાથી ઊંચું તેમનું ધ્યેય હતું —
અભણ, ગરીબ અને પીડિત લોકોને સરકારી કામોમાં મદદ કરવી. મારા પપ્પા કહેતા, “ભાંગ્યાના ભેરુ બનવું” સારા લોકોનું તો સૌ સગું હોય પણ ગરીબનું કોણ?

જે લોકોને વકીલની ફી ભરવી મુશ્કેલ પડતી, તેમની અરજીઓ પપ્પા પોતે લખતા અને દફતર સુધી જઈને કામ ઉકેલાવતા. ઘણા અધિકારીઓ તો માત્ર તેમની હસ્તલેખમાં લખેલી અરજી જોઈને જ કામ ઊભાંપગે કરી આપતા — કારણ કે તેમના શબ્દો વિશ્વાસ અને સચ્ચાઈના પ્રતીક હતા.

Mahendra K. Shah

મારા પૂજ્ય પિતાજીએ જીવનકાળ દરમિયાન એટલા બધા સામાજિક કાર્યો કર્યા હતા કે તેમની પાસે આવા પત્રો અને ફાઈલોનો મોટો ખજાનો હતો. પરંતુ, જ્યારે વલભીપુરની દુકાન અને ઘર ખાલી કરીને અમારો પરિવાર મુંબઈ સ્થાયી થયો, ત્યારે સામાનની એ ફેરબદલીમાં વર્ષોની એ મહેનત સમાન ફાઈલો ક્યાંક ગુમ થઈ ગઈ. એ નુકસાન તો ક્યારેય પૂરી શકાય તેમ નથી, છતાં જે કાંઈ જૂના દસ્તાવેજો બચ્યા છે, તેમાંથી સ્મૃતિ રૂપે બે-ચાર પત્રો અહીં પ્રસ્તુત કર્યા છે.

કચ્છ સત્યાગ્રહમાં મારા કાકાનું યોગદાન

Atal Bihari Vajpayee

મારા કાકા, સ્વ. શ્રી પ્રવીણભાઈ કપૂરચંદ શાહ, જનસંઘના ખંતીલા કાર્યકર્તા હતા. દેશપ્રેમ અને રાષ્ટ્રહિત માટે તેઓએ હંમેશા નિઃસ્વાર્થ ભાવથી કામ કર્યું.

1968ના ઐતિહાસિક કચ્છ સત્યાગ્રહ દરમ્યાન તેમણે પૂ. શ્રી અટલ બિહારી વાજપેયીજી અને શ્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ જેવા રાષ્ટ્રીય નેતાઓની સાથે 21 દિવસનો જેલવાસ ભોગવ્યો હતો — જે તેમના ત્યાગ અને ચટ્ટાણ જેવા સંકલ્પનો પુરાવો છે.

આ આંદોલન ભારત સરકારે પાકિસ્તાનને આશરે 300 ચો.કિ.મી. જમીન સોંપી દીધી હતી તેના વિરોધમાં હતું. 9 એપ્રિલ 1968થી કચ્છ સરહદે આ સત્યાગ્રહ રાષ્ટ્રભક્તોની અદમ્ય ભાવનાનો પ્રતિક બન્યો. મારા કાકાએ પણ આ આંદોલનમાં જોડાઈ પોતાનો યોગદાન આપ્યું.

પ્રવીણકાકાએ જીવનના અધિકાંશ વર્ષો ગિરનાર પર્વત પર આવેલા સહસાવન (કે સહસ્રાવન)માં ગાળ્યા હતા. તેઓ જૈન અને સનાતની સાધુ-સંતોના પ્રીતિપાત્ર હતા. ગિરનાર, જૂનાગઢથી જ્યારે તેઓ વલભીપુર આવતા ત્યારે ટાવર ચોકમાં ધર્મસભાનું આયોજન કરતાં હતા અને ગિરનારના તેમના અનુભવોનું વર્ણન કરતાં ત્યારે બે કલાક કે તેથી વધારે સમય સુધી તેમને સાંભળવા આવેલી જનમેદની ખૂબ શાંતિથી બેસીને પ્રવિનકાકાના અનુભવો સાંભળતી હતી.

પ્રવીણકાકાએ લગભગ ૧૦ વર્ષ સુધી વલભીપુર જૈન સંઘના પ્રમુખ તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. યુવાનીના સમયમાં તેમણે દેશ-વિદેશની ટપાલ ટિકિટોનો વિશાળ અને અનોખો સંગ્રહ કર્યો હતો. તેમને અત્તરનો વિશેષ શોખ હોવાથી તેઓ અત્તરનો વ્યવસાય પણ કરતા હતા.

ઉનાળાની ઋતુમાં પ્રવીણકાકા શીખંડનો વ્યવસાય કરતા, અને તેમના શુદ્ધ શીખંડ માટે લોકો લાઇનમાં ઊભા રહેતા. તેઓ અત્તરના શોખીન હતા અને ધાર્મિક, નિર્મળ સ્વભાવના માણસ હતા. તેમણે જીવનભર અવિવાહિત રહીને સેવા અને સાદગીમાં જીવન વિતાવ્યું.

મારા દાદા – કપુરદાદાની સાદગી અને સત્યનિષ્ઠા

મારા દાદા સ્વ. શ્રી કપુરચંદ હેમચંદ ઓસવાળ, પ્રજા સમાજવાદી પક્ષના ગુજરાત પ્રદેશના પીઢ આગેવાન હતા. કાશીમાં ભણેલા પંડિત, અને ‘ગરીબોના બેલી’ તરીકે જાણીતા.

પીપળાશેરીના નાકે આવેલી તેમની દુકાનની બહાર એક બ્લેકબોર્ડ રહેતો, જેમાં તેઓ રોજ રાજકારણના પ્રસંગો અને પ્રજાના પ્રશ્નોને વાચા આપતા. લોકો તે વાંચવા ટોળે વળતા. વળા ઠાકોરસાહેબ શ્રી ગંભીરસિંહજી બાપુ પણ ઘોડો રોકીને કહેતા —
“કપુર! આ ગામમાં તું અને હું સરખા છીએ; તારું ને મારું કોઈ સાંભળતું નથી!”

દાદા કોઈની શેહશરમ રાખતા નહોતા — સત્ય બોલવું એ તેમનું ધર્મ હતો. જુના લોકો આજે પણ પ્રસન્નવદન મહેતા, જશું મહેતા, છબીલદાસ મહેતા જેવા આગેવાનોની વાતો સાથે દાદાનું સ્મરણ કરે છે. એ આગેવાનો ચુંટણી લડવા પહેલા મારા દાદાના આશીર્વાદ લેવા આવતા અને અમારા ઘરમાં ખાખરા–ગાંઠીયાનો નાસ્તો કર્યા વગર પાછા ન ફરતા.

કપુરદાદા હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દુ ભાષાનાં જાણકાર હતા. ગામમાં કોઈને ત્યાં તાર/ટેલીગ્રામ આવે કે પછી કોઈ મુસ્લિમને ત્યાં ઉર્દુમાં કાગળ આવે તો તે વંચાવા માટે લોકો દાદા પાસે આવતા હતા.

તે સમયે વળામાં નેધરલેન્ડના ડચ લોકો જમીન સુધારાના પ્રોજેક્ટ માટે આવ્યા હતા. દાદા અંગ્રેજીમાં વાતચીત કરી શકતા હોવાથી તેઓ ડચ અધિકારીઓના મિત્ર બની ગયા હતા. સાદગીમાં લાલબહાદુર શાસ્ત્રી જેવા દેખાતા દાદાનો એક જ ફોટો હતો — દુર્ભાગ્યે એ પણ સમય સાથે ખોવાઈ ગયો.

છબીલદાસ મહેતા અને જશવંત મહેતા જેવા નેતાઓએ દાદા સાથે કામ કર્યું હતું.
છબીલદાસભાઈ 1962થી 1980 સુધી વિધાનસભામાં રહ્યા અને 1994માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. જ્યારે પણ મળવાનું થતું, તેઓ કપુરદાદાને યાદ કરતા.


જશવંતભાઈ મહેતા લોકસભામાં પહોંચ્યા અને ગુજરાતના નાણામંત્રી રહ્યા. ધીરુભાઈ અંબાણીએ પણ જીવનભર તેમને પોતાના નેતા તરીકે માન આપ્યો હતો.

પ્રજા સમાજવાદી પક્ષ (PSP) 10 સપ્ટેમ્બર 1952 માં રચાયો — પ્રજા પાર્ટી અને કોંગ્રેસ સોશ્યાલિસ્ટ્સના વિલયથી.
આ પક્ષનો ધ્યેય હતો સામાજિક સમાનતા, ગરીબી અને શોષણ વિરુદ્ધ હક્કનો અવાજ, અને લોહિયાવાદી વિચારધારાથી પ્રેરિત લોકશાહી પરિવર્તન.
જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા અને અશોક મહેતા જેવા મહાન વિચારકો સાથે આ પક્ષે 1950-60ના દાયકામાં લોકજાગૃતિનું કામ કર્યું.

જેઓએ પોતાને ભૂલાવીને બીજાના દુઃખમાં જીવવાનું શીખવ્યું,
એ લોકો ક્યારેય મરે નહીં – તેઓ સમયથી પણ વિશાળ બને છે.

મારી પ્રેરણા

મારા પિતા મહેન્દ્રભાઈએ, પોતાના પિતા કપુરદાદાની માફક, વ્યવસાય કરતાં સમાજસેવાને વધારે મહત્વ આપ્યું.
આ જ સંસ્કાર આજે પણ મારા જીવનનો આધાર છે.

હું — નિલેશ શાહ,
એક સામાજિક કાર્યકર, લેખક, બ્લોગર, ફોટોગ્રાફર, યુટ્યુબર, વેબ ડિઝાઇનર અને ભારતીય જનતા પાર્ટીનો વફાદાર કાર્યકર છું.
વ્યવસાય અને ટેકનોલોજી સાથે સમાજસેવાને જોડવાનો પ્રયત્ન કરું છું, અને મારા પિતા, કાકા અને દાદાના સંસ્કારને જીવનમાં ઉતારીને જીવન જીવું છું.

જો તમને આ લેખ ગમે તો, કૃપા કરીને તમારા અભિપ્રાય જણાવો કે વધુ લોકો એ વાંચી શકે તે માટે શેર કરો.

Nilesh Shah
Nilesh Shah

I enjoy social work, writing, photography, and music. I’m deeply interested in history, Jainism, travel, and entrepreneurship — subjects that continue to inspire my work and life.

Articles: 15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *